બ્રાઝિલમાં રંગારંગ કાર્નિવલ શરૂ :રસ્તાઓ પર જાત જાતની વેશભૂષાઓનો મેળો જામ્યો

બ્રાઝિલનો દુનિયાભરમાં પ્રખ્યાત કાર્નિવલ ઉત્સવ શરૂ થઇ ગયો છે અને તેના મોટા શહેરોના માર્ગો પર આ વાર્ષિક ઉત્સવની ધમાલ ચાલી રહી છે જેમાં કાર્નિવલ સરઘસમાં ભાગ લેનારાઓ જાત જાતની હેટ અને રંગબેરંગી વસ્ત્રોમાં સજજ થઇને ઉતરી પડ્યા છે.

કાર્નિવલ ઉત્સવની પ્રથમ રાત્રી એવી શુક્રવારની રાત્રિએ સાઓ પૌલો અને રિયો ડી જાનીરો જેવા શહેરોના રસ્તાઓ પર કાર્નિવલ સરઘસમાં જાત જાતના આકારની હેટો અને રંગબેરંગી અને ચિત્રવિચિત્ર વેશભૂષાનો મેળો જામ્યો હતો અને ઉત્સવમાં ભાગ લેનારાઓ અહીંના જાણીતા સામ્બા ડાન્સ સહિતના નૃત્યો કરી રહ્યા હતા. રિયો ડી જાનીરો શહેરના સામ્બાડ્રોમ સ્ટેડિયમ પર ઘણી સામ્બા સ્કુલો અને ડાન્સ ગ્રુપોએ પરેડ કરી હતી. મહિલાઓ પણ ઝળહળતા વસ્ત્રો અને ચહેરા પર જાત જાતના ચિતરામણ સાથે જોવા મળી હતી.

અહીં કાર્નિવલ ઉત્સવની પરંપરા સદીઓ જૂની છે. છેક ૧૬૪૦ના વર્ષમાં તેની શરૂઆત થઇ હતી અને લગભગ દર વર્ષે આ ઉત્સવ અહીં ઉજવાતો આવ્યો છે. આ શુક્રવારની રાતથી શરૂ થયેલો આ વર્ષનો કાર્નિવલ ઉત્સવ પાંચ દિવસ ચાલશે.