રિચાર્ડ બ્રેન્સનની ‘એડલ્ટ ઓન્લી’ ભવ્ય ક્રુઝ શિપ ‘સ્કારલેટ લેડી’ : મોંઘેરી ભવ્યતાની એક ઝલક

સર રિચાર્ડ બ્રેન્સને  પોતાની એડલ્ટ્સ ઓન્લી વર્જિન વોયેજીસ ક્રુઝ શિપ રજૂ કરી છે. 17 ડેક ધરાવતી આ લક્ઝુરિયસ શિપને સ્કારલેટ લેડી નામ આપવામાં આવ્યું છે. વર્જિન વોયેજીસ ચાર ક્રુઝ શિપ લાવવાનું છે જેમાંથી આ પ્રથમ છે અને આગામી ચાર વર્ષ સુધી પ્રત્યેક વર્ષે એક શિપ રજૂ કરવામાં આવશે. આ શિપની કેટલીક તસવીરો રિલિઝ કરવામાં આવી છે જેના પરથી તેની ભવ્યતાનો ખ્યાલ આવે છે. જેમાં માર્બલના બાથરૂમ, ખાસ સ્યુટ, ભવ્ય સ્પાઈરલ સ્ટેરકેસીસ, કોકટેલ બાર્સ અને આઉટડોર રનિંગ ટ્રેક છે.

આ શિપ ફક્ત એડલ્ટ લોકો માટે જ છે અને તેની ડિઝાઈન ટોમ ડિક્સન સહિત ટોચના ડિઝાઈનરોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે. રોમન એન્ડ વિલિયમ્સ ડિઝાઈન સ્ટુડિયોએ ઘણા સેલિબ્રિટીના ઘરની ડિઝાઈન તૈયાર કરી છે અને ન્યૂયોર્કની સ્ટાન્ડર્ડ હાઈલાઈન હોટેલ જેવી ઘણી હોટેલની ડિઝાઈન પણ તૈયાર કરી ચૂક્યો છે.

આ શિપમાં મનોરંજન માટે નાઈટ ક્લબ, કોમેડી શો અને અન્ય આર્ટિસ્ટોના પરફોર્મન્સ હશે. પ્રત્યેક શિપમાં 1,330 કેબિન હશે અને 78 રોક સ્ટાર સ્યુટ હશે. તેમાં પણ બે સ્યુટમાં ફૂલ રોક સ્ટાર ટ્રીટમેન્ટ આપવામાં આવશે જેમાં ઈન-રૂમ ગિટાર્સ અને એમ્પીફાયર્સ હશે.

આ સ્યુટનું ઈન્ટિરિયર અદ્દભુત છે જેમાં ફ્લોરથી લઈને સિલિંગ સુધી બારીઓ અને બાથરૂમ માર્બલથી બનાવવામાં આવ્યા છે અને તેમાં બાથટબ પણ રહેશે. સ્કારલેટ લેડી પર પરંપરાગ ક્રુઝમાં આપવામાં આવતી બૂફેની સિસ્ટમ બંધ રહેશે. તેના બદલે ભોજન અને નાસ્તા માટે 20થી વધારે આઉટલેટ રહેશે. સ્કારલેટ લેડી પાંચ દિવસની ટ્રાયલ બાદ યુકે પરત ફરી છે.