મહારાષ્ટ્રમાં અઘોષિત NRC: રાજ ઠાકરેના કાર્યકરો ઘૂસી ગયા પૂણેની વસાહતમાં અને માંગ્યા નાગરિક્તાના પુરાવા

પુણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ વિવાદિત અભિયાન શરૂ કર્યું છે. મનસેના કાર્યકરો પૂણેના એવા વિસ્તારોમાં જઈ રહ્યા છે જ્યાં બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે. મનસેના કાર્યકરો ત્યાં રહેતા લોકો પાસેથી નાગરિકતાના પુરાવાની માંગ કરી રહ્યા છે.

રિપોર્ટ મુજબ પૂણેના ધનકવડી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ભાડે રહે છે. મનસેના કાર્યકરોએ તેમની પાસેથી ભારતીય નાગરિક હોવાના પુરાવા માંગ્યા છે. પોલીસ અધિકારીઓ પણ મનસેના કાર્યકર્તાઓની સાથે હોય છે અને લોકોની નાગરિકતા ચકાસવા માટે દસ્તાવેજો બતાવવા લોકોને જણાવી રહ્યા છે. મનસે પૂણે શહેર પ્રમુખ અજય શિંદેએ આ અંગે માહિતી આપી છે.

અજય શિંદેના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક અઠવાડિયાથી મનસેના કાર્યકરો એવા વિસ્તારોમાં રહેતા લોકો પર નજર રાખી રહ્યા છે જ્યાં તેઓ માને છે કે બાંગ્લાદેશી ઘુસણખોરો રહે છે.

શનિવારે સવારે મનસેના કાર્યકરો પોલીસને સાથે ધનકવડી વિસ્તારમાં આવ્યા હતા અને કેટલાક લોકોની પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન એક યુવક પાસે બે મતદાર ઓળખકાર્ડ મળી આવ્યાં છે. મનસેના કાર્યકરો તેને પોલીસ સ્ટેશન લઇ ગયા છે.

તમને જણાવી દઈએ કે નવમી ફેબ્રુઆરીએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ CAA-NRCના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને બહાર કાઢી મૂકવાની માંગ કરી હતી. રાજ ઠાકરેએ કહ્યું કે ઘુસણખોરોને દેશની બહાર લાવીને દેશને સ્વચ્છ કરવો જોઈએ. રાજ ઠાકરેએ ચેતવણી આપી હતી કે જો કેટલાક લોકો માત્ર શક્તિ બતાવવા માટે CAA-NRCનો વિરોધ કરી રહ્યા છે, તો તેમને જવાબ આપવામાં આવશે.