પાકિસ્તાનના ઉંબાડિયાનો ભારતીય સૈન્યએ આપ્યો જોરદાર જવાબ : 3 પાકિસ્તાની સૈનિક ઠાર, છ ચોકી નેસ્તનાબૂદ

પાકિસ્તાની સૈન્ય દ્વારા કાશ્મીરના કુપવાડા સેક્ટરમાં અંકુશ હરોળ (એલઓસી) નજીક સીઝફાયર ભંગ કરીને જોરદાર ગોળીબાર કરીને ઉંબાડિયુ ચાપવાનો પ્રયાસ કરાયો હતો, જો કે પહેલાથી તૈયાર ભારતીય સૈન્યએ પણ જોરદાર વળતો પ્રહાર કરીને 3 પાકિસ્તાની સૈનિકને ઠાર માર્યા હતા જ્યારે 14 અન્ય ઘાયલ થયા હતા. પીઓકેની નિલમ વેલીમાં છ ચોકીઓ પણ નેસ્તનાબૂદ થવાની સાથે તેમને મોટું નુકસાન થયું હોવાના અહેવાલો મળ્યા છે.

પાકિસ્તાન દ્વારા ગુરૂવાર સવારથી ભારતીય સૈન્યની સરહદે આવેલી છાવણીઓ સહિત રહેણાંક વિસ્તારો પર ગોળા ફેંકવાનું શરૂ કરાયું હતું. અચાનક શરૂ કરાયેલા આ ગોળીબારને પગલે ગ્રામ્ય વિસ્તારમાં અફરાતફરી સર્જાઇ હતી અને લોકો બચાવ માટે ઘરમાં પુરાઇ ગયા હતા. જો કે તે પછી ભારતીય સૈન્યએ વળતો પ્રહાર શરૂ કર્યો હતો.

ભારતીય સૈન્યએ કરેલા જવાબી હુમલામાં પાકિસ્તાની સૈન્યને મોટું નુકસાન થયું હતું. પાકિસ્તાની સૈન્યની છ છાવણી નેસ્તનાબૂદ થઇ ગઇ હતી. જ્યારે તેના 3 સૈનિક ઠાર મરાયા હતા અને અન્ય 14 ઘાયલ થયા હતા. સૈન્યએ કરેલા આ વળતા પ્રહાર છતાં પાકિસ્તાની સૈન્યએ તેમાથી કોઇ શીખ લીધી નહોતી અને શનિવારે ફરી કીરની અને કસ્બા સેક્ટરમાં અંકુશ હરોળ પર આવેલા વિસ્તારમાં સૈન્યની છાવણીઓની સાથે જ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને તોપમારો કરવામાં આવી રહ્યો છે. સરહદ પારથી મોર્ટાર શેલિંગ પણ ચાલું છે.

છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન દ્વારા ચાલું રહેલી હેવી શેલિંગ અને ગોળાબારી પાછળ તેમનો બદઇરાદો નિલમ ખીણ વિસ્તારમાંથી ત્રાસવાદીઓને ભારતમાં ધકેલવાનો છે અને તેના કારણે જ ગુરૂવારથી આ શેલિંગ અને ગોળીબાર ચાલી રહ્યું છે. જો કે ભારતીય સૈન્યના જવાનો સતર્ક જ છે અને તાજેતરમાં થયેલા આવા ઘુસણખોરીના તમામ પ્રયાસને મારી હટાવાયા છે.