100 કરોડ પર 15 કરોડ ભારી: ભાજપના નેતા બોલ્યા” ગુજરાતમાં જે થયું તેને યાદ રાખો”

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (AIMIM) ના નેતા વારીસ પઠાણના “’15 કરોડ મુસ્લિમો 100 કરોડ પર ભારી પડશે” નિવેદન અંગે રાજકીય પક્ષો વચ્ચે યુદ્ધ ચાલુ છે. હવે ભાજપના કાઉન્સિલર અને મહારાષ્ટ્રના ભાજપના પ્રવક્તા ગિરીશ વ્યાસે કહ્યું હતું કે ગુજરાતમાં જે બન્યું તે તેમણે (વારીસ પઠાણે) ભૂલવું ન જોઈએ.

ગિરીશ વ્યાસે મુસ્લિમ સમુદાયને અપીલ કરી છે કે તેઓ વારીસ પઠાણ જેવા લોકોનો બહિષ્કાર કરે અને ‘તેમને પાઠ ભણાવે’. ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું કે, “આ દેશનો દરેક યુવાન દેશભક્ત ભાજપનો કાર્યકર વારીસ પઠાણને તેમની જ ભાષામાં જવાબ આપી શકે છે જેનો તેઓ ઉપયોગ કરે છે.”

હકીકતમાં ગિરીશ વ્યાસ 2002માં ગુજરાતમાં ગોધરા પછીના તોફાનોનો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ કોમી રમખાણોમાં આશરે 1000 લોકો માર્યા ગયા હતા. તેમણે કહ્યું, “મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વારીસ પઠાણ વિરુદ્ધ દેશદ્રોહની કાર્યવાહી કરવી જોઈએ અને કેન્દ્ર સરકારે તેમને પાકિસ્તાન મોકલવા જોઈએ.”

નાગપુરના રહેવાસી ગિરીશ વ્યાસે વારીસ પઠાણને નાગપુરમાં આવવાનો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, “અમે તમારા માટે યોગ્ય વ્યવસ્થા કરીશું, શું તમે સમજો છો કે અમે બંગડીઓ પહેરી છે?” અમે સામનો કરવા તૈયાર છીએ, પરંતુ અમે સમાજમાં પરસ્પર ભાઈચારો જાળવવા માંગીએ છીએ.’

તમને જણાવી દઈએ કે ઉત્તર કર્ણાટકમાં 16 ફેબ્રુઆરીએ કલબૂર્ગીમાં CAA વિરુદ્ધની રેલીને સંબોધન કરતા પઠાણે કહ્યું હતું કે, આપણે એક સાથે આવવું પડશે. આપણે આઝાદી મેળવવી પડશે. આ વસ્તુઓ માંગીને મળતી નથી. તેમની પાસેથી બળજબરીપૂર્વક લઈ લેવી પડશે. યાદ રાખજો, ભલે આપણે 15 કરોડ છીએ પણ 100 કરોડ પર ભારી છીએ.’