“મોટાભાઈ” મોદીને મળતા ઉદ્વવ ઠાકરે, કહ્યું “CAA અંગે ડરનો માહોલ, શાહીન બાગનાં લોકોને ઉશ્કેરવામાં આવ્યા”

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના લગભગ ત્રણ મહિના પછી પ્રથમ વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસે મુલાકાત કરી. આ સમયગાળા દરમિયાન ઉદ્ધવના પુત્ર અને રાજ્યના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરે પણ હાજર હતા. આ બેઠક પછી ઉદ્ધવે મીડિયાને સંબોધન કરતાં કહ્યું કે મહારાષ્ટ્રના મુદ્દા ઉપરાંત CAA, NPR, NCR અંગે પણ પીએમ મોદી સાથે ચર્ચા કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના સીએમએ કહ્યું કે બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે દેશવાસીઓને CAAથી ડરવાની જરૂર નથી.

પત્રકારો સાથે વાતચતી દરમિયાન ઉદ્ધવ ઠાકરે સાથે શિવસેનાના સાંસદ સંજય રાઉત અને આદિત્ય ઠાકરે પણ હાજર હતા. ઉદ્ધવે કહ્યું કે પીએમ મોદી સાથેની મુલાકાત ખૂબ ફાયદાકારક હતી. પીએમએ ખાતરી આપી છે કે CAAથી ડરવાની જરૂર નથી અને કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટતા પણ કરી દીધી છે કે NCR દેશભરમાં લાગુ નહીં થાય.

તેમણે કહ્યું  કે CAA, NCR NPA અંગે પીએમ મોદી સાથે પણ ચર્ચા થઈ છે. ‘સામના’ દ્વારા શિવસેનાએ તેની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.  CAA એ પડોશી દેશોના પીડિત લઘુમતીઓને નાગરિકત્વ આપતો કાયદો છે. NRC અંગે કેન્દ્રએ ભૂમિકા સ્પષ્ટ કરી છે કે તે આખા દેશમાં નથી અને તે આસામમાં રહેશે.

NPR વિશે પૂછેલા સવાલ પર ઉદ્ધવે કહ્યું કે, ‘NPRમાં કોઈને પણ ઘરમાંથી બહાર કાઢવામાં આવશે નહીં. દર 10 વર્ષે કરવામાં આવતી વસ્તી ગણતરીની જેમ જ NPR કરવામાં આવશે. જો NPR જોખમી છે તો અમે આગળ વાત કરીશું. મેં રાજ્યની જનતાને કહ્યું છે કે કોઈના અધિકાર છીનવા દેવાશે નહીં.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બે મહિનાથી વધુ સમયથી દિલ્હીના શાહીનબાગમાં સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) સામે ચાલી રહેલા વિરોધ અંગે તેમણે કહ્યું કે શાહીન બાગના લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, ‘ત્યાંનાં લોકોને મળવાની જરૂર છે. તેઓ શા માટે વિરોધ કરી રહ્યા છે તે પહેલા સ્પષ્ટ થવું જોઈએ. નેતાઓએ સમજવાની જરૂર છે.