મહિલા ટ્રેઈની ક્લાર્કને ફીગર ટેસ્ટ માટે નગ્ન કરી ઊભા રખાયા, સુરતની હોસ્પિટલ વિરુદ્વ સનસનાટીપૂર્ણ આરોપ

કચ્છના ભૂજ ગર્લ્સ કોલેજમાં 68 છોકરીઓ માસિક ધર્મમાં છે કે નહિં તેની તપાસ માટે સંપૂર્ણ રીતે નગ્ન કરવા અંગેનો વિવાદ હજુ ઠંડો નથી પડ્યો ત્યાં વધુ એક આ પ્રકારનો મામલો સામે આવ્યો છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર ગઈકાલે સુરત મહાનગરપાલિકાની હોસ્પિટલમાં મહિલા ટ્રેઈની ક્લાર્કને ગાયનોકોલોજિકલ ફીગર ટેસ્ટ માટે નગ્ન કરી ઊભા રાખવામાં આવ્યા હોવાનો આરોપ છે. હંગામી કર્મચારીઓને કાયમી કરવા માટે લેવાતી ટેસ્ટમાં મહિલા ક્લાર્કને નિર્વસ્ત્ર કરવામાં આવી હતી. આ શરમજનક ઘટના અંગે સુરત મહાનગરપાલિકા યુનિયન દ્વારા મ્યુ. કમિશનરને કરવામાં આવેલ ફરિયાદ અનુસાર 100 કર્મચારીઓને અનિવાર્ય ફીટનેસ ટેસ્ટ માટે સુરત મહાનગરપાલિકા ચિકિત્સા, શિક્ષા અને અનુસંધાન સંસ્થામાં બોલાવવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ મહિલા કર્મચારીઓને રૃમમાં નગ્ન કરી ઊભા રાખવામાં આવ્યા હતાં. આ દરમિયાન રૃમના દરવાજા પણ બંધ નહોતા. માત્ર પડદા લગાવેલા હતાં.

આ દરમિયાન ફીગર ટેસ્ટ ઉપરાંત કુંવારી છોકરીઓને વ્યક્તિગત સવાલો પૂછવામાં આવ્યા હતાં કે શું તેઓ કદી ગર્ભવતી થઈ છે કે નહિં? અનેક મહિલા ડોક્ટરો કે જે ટેસ્ટ કરી રહી હતી તેઓએ ખરાબ રીતે વાતો પણ કરી હતી. તો બીજી તરફ પુરુષ કર્મચારીઓનો ફીટનેસ ટેસ્ટ સાવ અલગ અને સાધારણ હતો. જેમાં આઈ ટેસ્ટ, ઈએનટી અને હાર્ટના ટેસ્ટ સામેલ હતાં.

અત્ર નોંધનીય છે કે કામના ત્રણ વર્ષના પ્રોબેશન પિરિયડ પછી કર્મચારીઓએ ફીટનેસ ટેસ્ટ આપવી ફરજિયાત હોય છે. 400 માંથી કેટલીક ટ્રેઈની મહિલા કર્મચારીઓ દ્વારા તેમની સાથે થયેલા વ્યવહાર અંગેની ફરિયાદ યુનિયનને કરવામાં આવી હતી. યુનિયનના મહામંત્રી એ.એ. શેખે જણાવ્યું હતું કે અમે આ જાણી આશ્ચર્યચકિત થયા હતાં અને તરત અટકાવવાની માંગણી કરી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે ફીગર ટેસ્ટ કરી રહેલા ડોક્ટર આડાઅવળા સવાલો પૂછતા હતાં અને તેઓ બોલવામાં આછકલાય ધરાવતા હતાં.

સૂત્રોના જણાવ્યા મુજબ અનેક મહિલાઓના કપડા ઉતારી તેમનું બોડી ચેકઅપ કરાયું હતું. જેના કારણે તેઓએ શરમ અનુભવી હતી. એટલું જ નહીં, મહિલાઓ પાસેથી ગુપ્ત માહિતી પણ માંગવામાં આવી હતી. જેના કારણે અનેક મહિલાઓ રડી પડી હતી. આ ઘટના પછી તપાસના આદેશો આપવામાં આવ્યા છે.