સુરત: આઠ વર્ષનો બાળક અચાનક ખાડામાં પડી ગયો, ફાયરની ટીમે  આવી રીતે બાળકને બચાવી લીધો

સુરતમાં ફાયર વિભાગે આગ અને અક્સ્માતના બનાવોમાં કરેલી કામગીરીના કારણે કેટલાક લોકોને નવું જીવન મળ્યું છે. ફાયર વિભાગે આઠ વર્ષના બાળકનો જીવ બચાવી લેતા સમગ્ર ફાયર ટીમ પર અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.

સુરતના નાણવટ વિસ્તારમાં 25 ફૂટ ઉડા ખાડામાં આઠ વર્ષીય અબ્દુલ ગની નામનો બાળક પડી ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બાળકને બહાર કાઢવામાં પળનો પણ વિલંબ કર્યો હતો.

જાણવા મળ્યા મુજબ બાળક રમતા-રમતા ખાડામાં પડી ગયો હતો. આ ઘટના ઉપરાત ફાયર ટીમ વરાછાના ઉમિયા મંદિરની બાજુમાં આલા સર્વોદય ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીના ગાળા નંબર-2માં બંધુ એસ્ટેટના એમ્બ્રોઈડરીના કારખાનામાં આગ ઓલવવાની કામગીરી કરી હતી.

ફાયર ટીમે પ્રથમ માળે સુઈ રહેલા કારીગરને આબાદ રીતે આગની લપેટોમાંથી બહાર કાઢ્યો હતો. આ ઉપરાંત બીજા માળે ફસાયેલા બે કારીગરને પણ સહી સલામત બહાર કાઢ્યા હતા. ધુમાડાના કારણે ગૂંગળામણ અનુભવી રહેલા ત્રણેય કારીગરોને 108 મારફત હોસ્પિટલ રવાના કર્યા હતા. આગમાં માલસામાન બળીને ખાખ થઈ ગયું હતું.