શાહીન બાગ: બેરીકેટ હટાવતા લોકોને થઈ મોટી રાહત, જાણો દિલ્હી પોલીસે શું કર્યું?

દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા સુધારા કાનૂનની સામે ધરણા પ્રદર્શનના કારણે બંધ રહેલા નોઇડાથી ફરીદાબાદ તેમજ જૈતપુર જતા રસ્તાને બે મહિના બાદ ખોલી દેવામાં આવતા લોકોને થોડી રાહત થઇ છે. ઓખલા અને સુપર નોવાના રસ્તાને ખોલી દેવામાં આવતા પોલીસને પણ રાહત થઇ છે. પોલીસે આજે શુક્રવારના દિવસે આ રસ્તામાંથી બેરિકેટિંગ દૂર કરી દીધી હતી. ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે કાલિંદીકુંજ રસ્તો હજુ પણ બંધ સ્થિતિમાં છે. દેખાવકારોએ પોતાની તરફથી કોઇ રાહત આપી નથી. નોઇડા પોલીસે માહિતી આપતા કહ્યું છે કે શુક્રવારે સવારમાં ઓખલા બર્ડ સેન્યુરીની પાસે રહેલી બેરિકેટિંગને દૂર કરી દેવામાં આવી છે. જેના કારણે બદરપુર તરફ જતા લોકોને રાહત થઇ છે.

લોકોને મદનપુર ખાદર થઇને જવાની ફરજ પડી રહી હતી. મદનપુર ખાદરવાળા રસ્તાથી જવામાં ૨૦ મિનિટના બદલે અઢી કલાકનો સમય લાગી રહ્યો હતો. હવે રસ્તો ખુલી ગયા બાદ બદરપુર, જૈતપુરમાં રહેતા લોકોને મોટી રાહત થઇ છે. લોકોના કહેવા મુજબ નોઇડા પોલીસને આ રસ્તો બંધ કરવાની કોઇ જરૃર ન હતી. કારણ કે દેખાવકારો ત્યાંથી ખૂબ દૂર બેઠેલા હતા.

કાલિંદીકુંજની તરફ જતો રસ્તો હજુ બંધ રાખવામાં આવ્યો છે. રોડ નંબર-13 એ હજુ પણ બંધ છે. આ રસ્તા પર શાહીનબાગના પ્રદર્શનકારી દ્વારા હજુ એકત્રિત થયેલા છે. આના કારણે નોઇડાની તરફથી આશરે 500 મીટર પહેલાથી જ આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

દિલ્હીના શાહીન બાગમાં સીએએની સામે ૧૩મી ડિસેમ્બરથી પ્રદર્શન જારી છે. પ્રદર્શનના કારણે લોકોની હાલત હજુ ખરાબ છે. બીજી બાજુ મંત્રણાકારોના પ્રયાસ હજુ સુધી ફ્લોપ સાબિત થઇ રહ્યા છે. મંત્રણા કરવા માટે સુપ્રિમ કોર્ટે એક પેનલની રચના કરી છે.