રાંધણ ગેસના ભાવમાં ઘટાડાને લઈ પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત, જાણો શું કહ્યું

ગેસ સિલિન્ડરના ભાવ આગામી મહિને ઘટી શકે છે. આ વાતનો સંકેત કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યો છે. તેમણે રાયપુરમાં કહ્યું કે રાંધણગેસની કિંમતોમાં આગામી મહિને ઘટાડો થઈ શકે છે. પ્રધાન બે દિવસના છત્તીસગઢ રાજ્યના પ્રવાસે છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાયપુરમાં સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરી હતી. એલપીજીની કિંમતોમાં સતત થઈ રહેલા વધારા સાથે સંબંધિત સવાલનો જવાબ આપવા મંત્રીએ કહ્યું, આ સાચું નથી કે કિંમત સતત વધી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારના કારણે આ મહિને કિંમતોમાં વધારો થયો, જો કે એવા સંકેત છે કે આગામી મહિને તેની કિંમતો ઘટી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે શિયાળા દરમિયાન એલપીજીનો વપરાશ વધ્યો હતો. જેના કારણે આ ક્ષેત્રમાં દબાણ વધી ગયું હતું. આ મહિને કિંમતોમાં વધારો થયો જ્યારે આગામી મહિને તેમાં ઘટાડો થશે. ગત્ અઠવાડિયે સબસિડી વિનાના રાંધણગેસ સિલિન્ડર (14.2 કિલો)ના ભાવમાં 149 રૃપિયાનો વધારો થયો છે.