મહિલા ટી-20 વર્લ્ડકપ : પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે વિજયી પ્રારંભ કરવા ઉતરશે ભારત : બપોરે 1.30થી મેચ શરૂ

પ્રથમ આઇસીસી ટ્રોફી જીતવાના સ્વપ્ન આંખમાં આંજીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આવતીકાલે અહીં આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડકપની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના પડકારનો સામનો કરવા અહીં મેદાને ઉતરશે ત્યારે તેમનો ઇરાદો વિજયી પ્રારંભ કરવાનો જ રહેશે. લાંબા સમયથી સાતત્યપૂર્ણ પ્રદર્શન ન કરી શકવાની ભારતીય ટીમની નબળાઇ રહી છે. ઓસ્ટ્રેલિયામાં જ હાલમાં રમાયેલી ત્રિકોણીય ટી-20 સીરિઝમાં પણ તે ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તે યજમાન ટીમ સામે હારી ગઇ હતી.

ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી રમાયેલા 6 ટી-20 વર્લ્ડકપમાંથી 4 જીત્યા છે, ત્યારે ભારતીય ટીમે તેની સામે જીતવા માટે જોરદાર પ્રયત્નો કરવા પડશે. જો કે મહત્વની વાત એ છે કે હાલના વર્ષોમાં આઇસીસીની મોટી ટૂર્નામેન્ટમાં ભારત જ એકમાત્ર એવી ટીમ રહી છે જેણે ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી હોય. ભારતીય મિડલ ઓર્ડર અને નીચલા ક્રમે સારું પ્રદર્શન કરવું પડશે કે જેથી નોકઆઉટ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડને હરાવી શકાય. ટીમ મેનેજમેન્ટે પણ મિડલ ઓર્ડરની વારંવારની નિષ્ફળતા અંગે ધ્યાન આપવાની જરૂર છે.

16 વર્ષની શેફાલી વર્મા પાસે ટીમ ઇન્ડિયાને સારી શરૂઆતની આશા હશે, સાથે જ તાજેતરમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલી હરમનપ્રીત કૌર પાસે પણ શ્રેષ્ઠતમ પ્રદર્શનની આશા રાખવામાં આવે છે. ત્રિકોણીય સીરિઝની ફાઇનલમાં ડેબ્યુ કરનારી 16 વર્ષની રિચા ઘોષને સતત તક મળશે કે કેમ તે જોવું પડશે. ભારતીય ટીમનું બોલિંગ આક્રમણ મોટાભાગે સ્પિનર પર નિર્ભર છે અને તેની પાસે સારા ફાસ્ટ બોલર પણ નથી ત્યારે એકમાત્ર શિખા પાંડે પર શરૂઆતમાં સફળતા અપાવવાની જવાબદારી રહેશે.