અહેમદ પટેલ સહિતના નેતાઓને રીટાયર કરો, સંદીપ દિક્ષિતની ગાંધી પરિવાર વિરુદ્વ બગાવત?

દિલ્હીની ચૂંટણીમાં અત્યંત શરમજનક પ્રદર્શનને લઈને કોંગ્રેસમાં શરૂ થયેલો માથાકૂટનો સિલસિલો બંધ થઈ રહ્યો નથી અને હવે તે ગાંધી પરિવાર સામે બળવાનું રૂપ લઈ રહ્યો હોવાના અણસાર સાંપડી રહ્યા છે. દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન શીલા દિક્ષિતના પુત્ર અને દિલ્હી કોંગ્રેસના દિગ્ગજ નેતા સંદીપ દિક્ષીતે હાઈકમાન્ડ દ્વારા નક્કી કરવામાં આવતી નીતિઓને જાહેરમાં નિશાન બનાવી છે.

આ સાથે જ પાર્ટીના વરિષ્ઠ નેતા શશી થરૂરે પણ સંદીપના નિવેદનને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું કે દેશભરના કોંગ્રેસ નેતાઓમાં હાઈકમાન્ડ સામે નારાજગી છે. કોઈપણ રીતે મધ્ય પ્રદેશ, રાજસ્થાનથી લઈને પંજાબ સુધીના કોંગ્રેસના નેતાઓના મતભેદો જણાવી રહ્યા છે કે પાર્ટીના નેતાઓ પર ગાંધી પરિવારનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે.

સંદીપ દિક્ષિતે અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસને એમ પણ કહ્યું હતું કે, આટલા મહિના પછી પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ નવા પ્રમુખની નિમણૂક કરી શક્યા નથી. આનું કારણ એ છે કે તે બધાને વિચારીને ડરે છે કે બિલાડીના ગળામાં ઘંટ કોણ બાંધશે.

પૂર્વ સાંસદ દિક્ષિતે કહ્યું કે કોંગ્રેસ પાસે નેતાઓની કમી નથી. હાલમાં પણ કોંગ્રેસમાં ઓછામાં ઓછા 6-8 નેતાઓ છે જેઓ પ્રમુખ બનીને પાર્ટીનું નેતૃત્વ કરી શકે છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર નિશાન સાઘતા  તેમણે કહ્યું હતું કે કેટલીકવાર તમને નિષ્ક્રિય થવાની ઇચ્છા થાય છે, કારણ કે તમે ઈચ્છતા નથી કે કશુંક થાય.

ખાસ વાત એ છે કે સંદીપના આ નિવેદનની પાર્ટીના વરિષ્ઠ નેતા શશી થરૂરે ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં હાઈકમાન્ડ સામે નારાજગી ચરમસીમાએ છે, જે હવે દબાયેલા સ્વરે પણ બહાર આવી રહી છે.

થરૂરે ટવિટ કરીને કહ્યું કે, સંદીપ દિક્ષિતે જે કહ્યું છે તે જ દેશભરમાં પાર્ટીના ડઝનબંધ નેતાઓ ખાનગીમાં કહી રહ્યા છે. આમાંના ઘણા નેતાઓ પક્ષમાં જવાબદાર હોદ્દાઓ સંભાળી રહ્યા છે. તેમણે કહ્યું કે, “હું ફરીથી સીડબ્લ્યુસીને કાર્યકરોમાં ઉર્જા લાવવા અને મતદારોને પ્રોત્સાહિત કરવા માટે નેતૃત્વ પસંદ કરવા વિનંતી કરું છું.”

સંદીપ દિક્ષિતે વરિષ્ઠ નેતાઓને પણ નિશાન બનાવતા તેમણે કહ્યું કે થોડા વર્ષોમાં નિવૃત્તિ લેનારા નેતાઓ પણ પક્ષ માટે કંઇ કરી રહ્યા નથી. તેમણે કહ્યું, ‘મને મારા વરિષ્ઠ નેતાઓ તરફથી ખરેખર નિરાશા મળી છે. તેઓએ ચોક્કસપણે આગળ આવવું જોઈએ. તેમાંથી મોટા ભાગના રાજ્યસભામાં છે, જેઓ ભૂતકાળમાં મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે અને જેઓ હાલમાં મુખ્ય પ્રધાન છે, જેઓ ખૂબ વરિષ્ઠ છે. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે તેઓ બહાર આવે અને પાર્ટી માટે સખત નિર્ણયો લે.’

તેમણે વધુમાં કહ્યું, ‘અમરિંદર સિંહ, અશોક ગેહલોત, કમલનાથ …તેઓ કેમ પણ સાથે નથી આવતા, શા માટે અન્ય લોકોને પણ સાથે નથી લાવતા? એકે એન્ટોની, પી. ચિદમ્બરમ, સલમાન ખુર્શીદ, અહેમદ પટેલ… આ બધાએ કોંગ્રેસ માટે મહાન કાર્યો કર્યા છે. તેઓ હવે તેમની રાજકીય કારકીર્દિના ઢળાવ પર છે. તેમની પાસે કદાચ બીજા ચારથી પાંચ વર્ષ હોઈ શકે છે. મને લાગે છે કે તેમના માટે બૌદ્ધિક યોગદાન આપવાનો સમય આવી ગયો છે. તેમને કેન્દ્રમાં, રાજ્યોમાં અથવા અન્ય જગ્યાએ નેતૃત્વની પસંદગી પ્રક્રિયામાં મોકલવા જોઈએ’. એક રીતે સંદીપ દિક્ષીતે આ તમામ નેતાઓને રીટાયર કરી દેવાનું પરોક્ષ રીતે કહી દીધું છે.

ખરેખર, સંદીપ દિક્ષિતે અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસને જે પ્રકારની વાતો જણાવી હતી, કોંગ્રેસના કોઈ પણ નેતા તેને ખુલ્લેઆમ કહેવાની હિંમત ભાગ્યે જ કરી શકે છે. એ જુદી વાત છે કે ગાંધી પરિવાર સામે રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે, જે રાષ્ટ્રીય સ્તરથી લઈને રાજ્ય કક્ષાના કોંગ્રેસના નેતાઓ હવે દબાયેલા અવાજમાં ગાંધી પરિવાર અંગે આક્રમક રીતે બોલી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર પણ આ પરિસ્થિતિથી સારી રીતે જાગૃત છે અને તેઓ ખુલ્લામાં પણ બહાર આવ્યા છે.