આમોદના પેટ્રોલ પંપ પર દરોડા, ઓછું પેટ્રોલ અપાતું અને કરાતી હતી ભેળસેળ

આમોદમાં આવેલા સુહૃદમ પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકોને ઓછું પેટ્રોલ મળતું હોવાની બુમો ઉઠવા પામી હતી. જેને લઈને એક જાગૃત નાગરિકે લોકસરકારમાં મહિના પહેલા ફરિયાદ કરી હતી. ગત રોજ બપોરના સમયે જિલ્લા પુરવઠા અધિકારી અને તોલ માપ અધિકારીએ તેમની ટીમ સાથે દરોડા પાડી પેટ્રોલ અને ડીઝલના નમૂના લેતા ભ્રષ્ટાચારીઓમાં ખળભળાટ થઈ ગયો હતો.

જાણવા મળતી માહીતી મુજબ આમોદમાં આવેલા સુહૃદમ પેટ્રોલ પંપ ઉપર ભેળસેળવાળું તેમજ ઓછું પેટ્રોલ મળતું હોવાની આમોદમાં બુમો ઉઠવા પામી હતી. જેના અનુસંધાને ગત રોજ ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી તેમજ તોલમાપ ખાતાના અધિકારીએ સયુંકત રીતે તેમની ટીમ સાથે આમોદ સુહૃદમ પેટ્રોલ પંપ ઉપર રેડ કરી હતી. સાથે આમોદના પુરવઠા મામલતદાર અને સ્ટાફ પણ જોડાયો હતો.

જિલ્લા પુરવઠા અધિકારીએ વિવાદિત પેટ્રોલ પંપનું ડીઝલ તથા પેટ્રોલના નમૂના લીધા હતા. જ્યારે તોલમાપ ખાતાના અધિકારીએ મશીન રીડર અને આંકડાની ચકાસણી કરી હતી જેથી પેટ્રોલ પુરાવવા માટે આવતા ગ્રાહકોમાં પણ જિલ્લાના અધિકારીઓની અચાનક ચકાસણીને લઈને કુતુહલ ફેલાયું હતું

આમોદમાં સૃહદમ પેટ્રોલ પંપ પરથી લીધેલા ડીઝલ અને પેટ્રોલના નમૂના અલગ અલગ ડબ્બામાં સીલ કરી તેને ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામા આવશે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આમોદમાં અગાઉ આજ પેટ્રોલ પંપ કમલ પેટ્રોલ પંપના નામથી ચાલતો હતો. પરંતુ આવા જ કારનામાંથી સીલ કરવામાં આવ્યો હતો ત્યારે હાલમાં પણ આજ પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકોને ઓછું પેટ્રોલ મળતું હોવાની બુમો ઉઠી છે.