ડેરી પર દરોડો પાડતાં જ ચોંકી ગયા અધિકારીઓ, શેમ્પુમાંથી બની રહ્યું હતું દૂધ

અત્યાર સુધીમાં તમે દૂધમાં પાણીમાં ભેળસેળની વાતો સાંભળી અને જોઈ હશે, પરંતુ ભેળસેળનો આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાંથી બહાર આવ્યો છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો.

ભીંડ જિલ્લાના ડેરી પ્લાન્ટમાં દરોડા દરમિયાન જાણવા મળ્યું કે ઘણાં ખતરનાક રાસાયણિક પદાર્થો જેવા કે ડીટરજન્ટ, યુરિયા, હાઇડ્રોજન લ્યુબ્રિકન્ટ, ક્રિપ્ટો તેલની દૂધમાં ખુલ્લેઆમ ભેળસેળ કરવામાં આવી રહી છે.

ભીંડ જિલ્લામાં પોલીસ અને પ્રશાસને લોકોના આરોગ્ય સાથે રમત રમતા મોટા ડેરી પ્લાન્ટમાં બનાવટી દૂધ બનાવવાનો ધંધાનો પર્દાફાશ કર્યો છે. નકલી દૂધ બનાવી ડેરીના માલિકો બજારમાં સપ્લાય કરીને લોકોના આરોગ્ય સાથે ક્રુર પ્રકારના ચેડાં કરી રહ્યા હતા. આટલું જ નહીં, બનાવટી દૂધ ઘણા પ્રકારના ખતરનાક રસાયણોમાંથી બનાવવામાં આવતું હતું, જેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો જીવન માટે જોખમ પણ બની શકે છે.

નકલી દૂધ બનાવવા માટે પોલીસ અને વહીવટી તંત્રએ ડેરી દૂધનો મોટો જથ્થો કબજે કર્યો છે. જેમાં સેંકડો બોરીમાં ભરેલા પાવડર, કૃત્રિમ દૂધ બનાવવા માટે 300 લીટર કેમિકલ અને ભેળસેળયુક્ત દૂધ બનાવવા માટેના અન્ય ઘટકો પણ મળી આવ્યા છે.

જિલ્લા પોલીસ અને વહીવટીતંત્રના જણાવ્યા મુજબ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. હકીકતમાં  ભીંડના ફૂપ વિસ્તારના રામનગર વિસ્તારમાં સંચાલિત ડેરી ઘણા સમયથી નકલી દૂધ બનાવવાનો ધંધો ચલાવી રહી હતી, જેની કોઈને જાણ નહોતી.

લહારના એસડીએમ ઓમ નારાયણસિંહે જણાવ્યું હતું કે, ફૂપના રામનગર વિસ્તારમાં સંચાલિત સુધીર ડેરી પર પોલીસે દરોડો પાડ્યો હતો.જે દરમિયાન દરોડા પાડવામાં આવી રહ્યા હતા, ત્યારે મોટી માત્રામાં કૃત્રિમ દૂધ તૈયાર કરવામાં આવી રહ્યું હતું. તે જ સમયે ટીમને ડેરીમાંથી દૂધ ભરેલું ટેન્કર પણ મળી ગયું હતું, જેના સેમ્પલ લેવામાં આવ્યા છે. જો દોષી સાબિત થશે તો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દરોડા દરમિયાન જ્યારે ફૂપના બીએમઓ ડો.ડી.કે.શર્માએ ઇથેનોલ કેન જોયા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયાં. તેમણે કહ્યું કે પ્યોર સ્પ્રીટનો ઉપયોગ હોસ્પિટલોમાં જખમને સાફ કરવા અને ઓપરેશનનાં સાધનોને સાફ કરવા માટે થાય છે. ઇથેનોલ અથવા આલ્કોહોલનો ઉપયોગ સામાન્ય રીતે દારુમાં થાય છે.

એસડીએમ ઓમ નારાયણ સિંહે જણાવ્યું હતું કે ફેક્ટરી નજીક એટલી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી કે ત્યાં ઉભા રહેવું પણ મુશ્કેલ હતું. આ કામ આડેધડ ચાલતું હોવા છતાં કોઈએ ફરિયાદ નોંધાવી નથી. બનાવટી દૂધનો નાશ કરવામાં આવ્યો છે.