નિર્ભયા કેસ : ફાંસીથી બચવા વિનય શર્માની નવી ચાલ, દિવાલ સાથે માથું ભટકાવ્યું

નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના દોષિતો હવે ફાંસી ટાળવાના વિકલ્પોનો અંત આવી ગયો ત્યારે તેઓ હવે નવા તિકડમ કરી રહ્યા છે. ચારેય દોષિતોમાંથી એક વિનય શર્માએ સોમવારના રોજ જેલની દિવાલ પર માથું પછાડીને પોતાને ઘાયલ કરી દીધો. તે તિહાડ જેલની બેરેક નંબર ત્રણમાં રહે છે. જેલ ઓથોરીટીઝે કહ્યું કે નિર્ભયાના દોષિતો પર વૉર્ડન ઇનચાર્જની બાજ નજર રહે છે છતાંય વિનય પોતાને નુકસાન પહોંચાડવામાં સફળ થઇ ગયો. જો કે વોર્ડને તેને રોક્યો ત્યાં સુધીમાં તે ઘાયલ થઇ ચૂકયો હતો. તેને હોસ્પિટલમાં લઇ જવાયો જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપી દેવામાં આવી હતી.

સૂત્રોએ કહ્યું કે વિનયે જેલની ગ્રિલ્સમાં પોતાનો હાથ ફસાવીને ફ્રેકચર કરવાની પણ કોશિષ કરી. તેના વકીલ એપી સિંહે કહ્યું કે આ ઘટના 16મી ફેબ્રુઆરીની થઇ હતી અને વિનયના માતા એ તેને આગલા દિવસે તેની માહિતી આપી હતી. 17મી ફેબ્રુઆરીના રોજ વિનયે પોતાની માતાને ઓળખવાનો ઇન્કાર કરી દીધો હતો. સિંહે કહ્યું કે વિનયની માનસિક સ્થિતિ અસ્વસ્થ છે અને નવું ડેથ વોરંટ રજૂ કર્યા બાદથી મગજની સ્થિતિ બગડી ગઇ છે. જો કે જેલના અધિકારીઓનું કહેવું છે કે વિનયની સાથે વાતચીતમાં તેના કોઇ સંકેત મળ્યા નથી. એક અધિકારીએ કહ્યું કે તેઓ બિલકુલ સ્વસ્થ છે અને તાજેતરમાં જ તેઓ સાઇકોમેટ્રી ટેસ્ટમાં તે તંદુરસ્ત લાગ્યો હતો.