નમસ્તે ટ્રમ્પ: કાર્યક્રમનું આયોજન કોણે કર્યું છે? અમદાવાદમાં ટ્રમ્પ કેટલી મીનીટ રોકાશે?

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ટ્રમ્પ 24 ફેબ્રુઆરીની બપોરે અમદાવાદ પહોંચશે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ દ્વારા યોજવામાં આવી રહ્યો છે. કોને આમંત્રણ આપવું તે સમિતિ નક્કી કરી રહી છે.

ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું, ‘ટ્રમ્પ બપોરે અમદાવાદ પહોંચશે. ત્યાંથી તેઓ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે મોટેરા સ્ટેડિયમ જશે. સ્ટેડિયમ તરફના એરપોર્ટની વચ્ચે અમને આશા છે કે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.

તેમણે વધુમાં માહિતી આપી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારતની આ પહેલી મુલાકાત હશે. પીએમ મોદી અને ટ્રમ્પ છેલ્લા આઠ મહિનામાં પાંચમી વાર મળશે.

ટ્રમ્પના પ્રવાસ અંગે રવીશ કુમારે વધુમાં કહ્યું કે, ‘બંને નેતાઓ દિલ્હીના રાજઘાટ જશે. હૈદરાબાદ હાઉસ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાતચીત થશે.

અમેરિકા સાથેના વેપાર સોદા અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે હાલ કોઈ પણ ડીલ અંગે ઉતાવળ કરવામાં આવશે નહીં પણ બન્ને દેશો એક સરખા વિચાર પર કામ કરે તે પ્રકારનું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. ટ્રેડ ડીલમાં સામેલ મુદ્દાઓ જટિલ છે. નમસ્તે ટ્રમ્પ પ્રોગ્રામમાં ઘણાં સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. બોલિવૂડની અનેક હસ્તીઓ પણ આમાં સામેલ થશે.

એવું માનવામાં આવે છે કે મોટેરા સ્ટેડિયમ અને મોદીના ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકોને ટ્રમ્પ માટે બોલાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકન મહેમાનો માટે લંચનું આયોજન કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતમાં લગભગ 48 કલાકનો કાર્યક્રમ છે. આ દરમિયાન તેઓ અમદાવાદ, આગ્રા અને દિલ્હીની મુલાકાત લેશે. ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા લગભગ 150 મિનિટ સુધી અમદાવાદમાં રોકાશે. બપોરના ભોજન બાદ યુએસ રાષ્ટ્રપતિનો કાફલો સાડા ત્રણ વાગ્યે આગ્રા જવા રવાના થશે.