હંગામી કર્મચારીઓને મબલખ રાહત આપતો કેન્દ્ર સરકારનો મહત્વનો આદેશ, હવે મળશે આ બધા લાભો

કેન્દ્ર સરકારે હંગામી કર્મચારીનું શોષણ થતું અટકાવવા મહત્ત્વના આદેશો કર્યા છે. સરકારે કહ્યું છે કે, બધા મંત્રાલય અને વિભાગો હંગામી કર્મચારીઓની નિમણૂકમાં માપદંડોનું પાલન કરી રહ્યા નથી. સરકારે પહેલાથી નક્કી કરાયેલા માપદંડનો નિમણૂક વખતે સતર્કતાપૂર્વક પાલન કરવાનું કહ્યું છે.

ડીપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DOPT) દ્વારા નવા દિશા નિર્દેશો અને આદેશ બહાર પાડ્યા છે. સૂત્રો અનુસાર આ બાબતે ઘણી ફરિયાદો મળ્યા પછી આ આદેશ અપાયા છે. આ બાબતે ઘણાં કેસો અદાલતો સુધી પહોંચી રહ્યા છે. જેના કારણે ઘણાં કેસોમાં સરકારની ફજેતી પણ થાય છે. DOPTએ કહ્યું છે કે જે લોકો માપદંડોનું પાલન નહીં કરે તેમના વિરૃદ્ધ કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. ડીઓપીટી કામો માટે હંગામી કર્મચારીઓને ન લગાડવામાં આવે.

એમ પણ કહેવામાં આવ્યું છે કે, હંગામી કર્મચારીઓને સરકારી મેન્યુઅલ મુજબ આઠ કલાકથી વધારે કામ ન કરાવવામાં આવે. તેમને એ જ  પોસ્ટ પર કામ કરતા કાયમી કર્મચારીઓ જેટલું જ વેતન અને બીજી બધી સુવિધાઓ મળશે. સાથે જ 6 દિવસ સુધી સતત કામ કર્યા પછી એક દિવસની રજા અપાશે. જ્યાં પાંચ દિવસનું અઠવાડિયું હોય છે ત્યાં આવા કર્મચારીઓને વધુમાં વધુ 40 કલાકના કામ પછી એક દિવસની રજા જરૃર આપવામાં આવશે. ઘણા હંગામી કર્મચારીઓના વર્ષોથી પગાર ન વધવા બાબતે ડીઓપીટીએ કહ્યું છે કે તેમને પણ આ સુવિધા નિયમિત કર્મચારીઓની જેમ મળશે.