ગાંધી આશ્રમ જનારા ટ્રમ્પ સૌ પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ બનશે, સિક્યોરીટી રિવ્યુનો ધમધમાટ

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લેનારા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ અમેરિકાન રાષ્ટ્રપતિ બનશે. ગાંધી આશ્રમ ખાતે તેમની મુલાકાત માટેની તૈયારીઓની વચ્ચે સિક્યોરીટી રિવ્યુ કરવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ ગાંધી આશ્રમ જશે કે નહીં તે અંગે સિક્યોરીટી રિવ્યુ કર્યા બાદ આગળની કાર્યવાહી અને આયોજન કરવામાં આવી રહ્યું છે.

હાલ તો અમેરિકાન રાષ્ટ્રપતિના રોડ શોમાં અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડીયમને આવરી લેવામાં આવ્યું છે. ગાંધી આશ્રમ ખાતે સિક્યોરીટીની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી રહી છે. ટ્રમ્પના કાફલામાં કારોનો કાફલો તૈનાત રહેશે અને ગાંધી આશ્રમ ખાતે આ સ્થિતિને પહોંચી વળવા માટેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેનારા પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ બનશે.  2001માં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે બિલ ક્લિન્ટને અમદાવાદની ટૂંકી મુલાકાત લીધી હતી. કચ્છ-ભૂજમાં આવેલા ભૂકંપના કારણે ક્લિન્ટને મુલાકાત ટૂંકાવી દીધી હતી.

ટ્રમ્પ અમેરિકાના સાતમા રાષ્ટ્રપતિ છે જે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ટ્રમ્પ પહેલાં ડ્વાઈટ એઝનહોવર(1959), રિચર્ડ નિક્સન(1969), જિમ્મી કાર્ટર(1978) બિલ ક્લિન્ટન(2000), જ્યોર્જ બુશ(2006) અને બરાક ઓબામા. ઓબામા બે વખત ભારત આવ્યા હતા. 2010 અને 2015માં એમ બે વખત ઓબામા પ્રજાસત્તાક પર્વે ભારતના મહેમાન બન્યા હતા.

22 કિમી લાંબો રોડ શો યોજીને ટ્રમ્પ ગાંધી આશ્રમ પહોંચશે અને ત્યાં લગભગ 25 મીનીટ ગાળશે. ગાંધી આશ્રમમાં ગાંધીજીના કોટેજ હૃહય કુંજના દર્શન કરશે. ત્યાર બાદ ગાંધીજીએ 1918થી 1930 દરમિયાન જ્યાં બેસીના પૂજા કરી હતી તે ઉપાસના મંદિરની મુલાકાત લેશે.