ગુજરાતને આકરો ઉનાળો દઝાડશે? હવામાન ખાતાની મોટી આગાહી

આ વર્ષે ફેબ્રુઆરીના મધ્યથી જ ગરમીની શરૃઆત થઈ ગઈ છે. આ વખતનો ઉનાળો દેશના મોટાભાગના વિસ્તારોમાં ધોમધખતો રહેવાનો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં સામાન્ય કરતા તાપમાન વધુ રહેવાની ‘પ્રબળ શક્યતા’ છે.

એપ્રિલમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંડીગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મોટાભાગના મહારાષ્ટ્રમાં સરેરાશ તાપમાન સામાન્ય કરતા ૧-૧.પ ડીગ્રી સેલ્સિયસ ઊંચુ રહેશે. દક્ષિણ ભારત અને મહારાષ્ટ્ર માટે શિયાળાનો મહિનો હોવા છતાં ફેબ્રુઆરી થોડો ગરમ રહ્યો હતો. આગામી બે મહિનામાં ગરમીનો પારો ઊંચો ચડશે તેવી શક્યતા છે. દેશમાં માર્ચ અને એપ્રિલમાં મહિનાનું સરેરાશ તાપમાન સામાન્ય કરતા ૧-૧.પ ડીગ્રી સેલ્યંસ ઊંચું રહી શકે છે. ખાસ કરીને મધ્ય ભારતમાં આ સ્થિતિ જોવા મળશે.

આગાહી મુજબ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દક્ષિણ ભારતના કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં સરેરાશ તાપમાન વધારે રહેશે. ગ્લોબલ વોર્મિંગના કારણે થતી ગ્રીનહાઉસ ઉત્સર્જન સાથે સંકળાયેલું ગ્લોબલ વોર્મિંગનું વલણ વધુ ગરમી માટે જવાબદાર છે.

હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ તો હવામાનમાં અલ નીનો (તાપમાનને સામાન્ય કરતા વધુ ગરમ બનાવે) જેવા આબહોવાના મોટા પાયાના પરિબળોની હાજરી વર્તાતી નથી, પરંતુ ગયા વર્ષે જૂન મહિના સુધી અલ નીનો જેવી સ્થિતિ જોવા મળી હતી. જેની અસર આ વર્ષના ઉનાળા પર જોવા મળી શકે છે. આ વર્ષે ઉનાળો સામાન્ય કરતા વધુ ગરમ રહી શકે છે. આ સંભાવનાને ભૂતકાળમાં થયેલા એક સ્ટડીનો ટેકો મળ્યો છે.