મતદાર યાદીને આધાર કાર્ડ સાથે લીન્ક કરાશે

ચૂંટણી પંચે ગઈકાલે ચૂંટણી સુધારાઓની દિશામાં સરકાર સાથે નવેસરથી પહેલ કરી છે. તેમાં મતદાર યાદીને આધાર સાથે જોડવા પેઈડ ન્યૂઝ અને બોગસ સોગંદનામાના કેસમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સભ્યપદ રદ કરવા જેવા મુદ્દાઓ સામેલ છે.

ચૂંટણી પંચ તરફથી આવેલ નિવેદન અનુસાર વિધિ સચિવ જીનારાયણ રાજુ સાથે મિટિંગ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર સુમીલ અરોરા અને કમિશનર અશોક લવાસા તથા સુનિલ ચંદ્રએ મતદાર યાદીને આધાર નંબર સાથે લિન્ક કરવા બાબતે ચર્ચા કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં જ વિધિ મંત્રાલયને લખાયેલા પત્રમાં ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈઓમાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમાં મતદાર યાદીમાં સામેલ કરવા માટેની અરજી દરમિયાન તથા યાદીમાં પહેલાથી રહેલા લોકો માટે આધાર નંબર ફરજિયાત કરવાનો પ્રસ્તાવ સામેલ છે.

પ્રસ્તાવનો સ્વીકાર કરતા વિધિ મંત્રાલયે ચૂંટણી પંચને આધાર ડેટાને સુરક્ષિત રાખવાના ઉપાયો કરવાનો આદેશ આપ્યો છે. પંચે ખોટા સોગંદનામા આપીને ચૂંટણી જીતનાર ઉમેદવારનું સભ્યપદ રદ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. ચૂંટણી પંચના અધિકારીઓ અને ર૦ મુખ્ય ચૂંટણી પદાધિકારીઓની નવ સમિતિઓએ મંગળવારે વિભિન્ન મુદ્દાઓ પર પોતાની ભલામણો સોંપી દીધી છે. તેમાં ચૂંટણી આચારસંહિતા અને ચૂંટણી ખર્ચનું મેનેજમેન્ટ પણ સામેલ છે.