તો ભાજપના આગેવાનો કહેશે કે વસ્તી વધારા માટે વિયાગ્રા જવાબદાર છે: લલિત વસોયા

નાણામંત્રી નિર્મલા સિતારમણે કોરોનાના કારણે મોંઘવારી વધશે, તેવું નિવેદન કર્યા પછી તેના પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. જેતપુરના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી જણાવ્યું કે હવે ભાજપવાળા વસ્તી વધારા માટે વિયાગ્રાને જવાબદાર ઠેરવશે.

લલિત વસોયાએ કહ્યું કે દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે કોરોનાનાં કારણે ભારતમાં મોંઘવારી વધશે. આ નિવેદન અંગે મેં એટલા માટે કોમેન્ટ કરી છે કે ભાજપના દરેક આગેવાનો અવારનવાર આવા કંઈકને કંઈક વિવાદિત નિવેદનો આપતા રહે છે. જેમાં દેશની આઝાદીમાં ગાંધીજીએ ભાગ લીધો નથી, નાટક કર્યા છે, આવા જે નિવેદનો છે તે નિવેદનોનાં કાઉન્ટરમાં મેં એવી શંકા વ્યક્ત કરી કે આવનાર દિવસોની અંદર કદાચ  આ એવું પણ નિવેદન કરે કે દેશમાં જે વસ્તી વધારો થયો છે તેના માટે વિયાગ્રા જવાબદાર છે.

તેમણે કહ્યું કે આ નિવેદન મેં કોઈને ઉતારી પાડવા માટે નહીં કર્યું નથી. આ કોમેન્ટ એટલા માટે કરી છે કે આવા વાહિયાત નિવેદનો આ દેશના નાણામંત્રી કરે  તો એનાથી આ દેશની છબિ આખાય વિશ્વની અંદર ખરડાય અને એટલા માટે મેં આ કોમેન્ટ કરી. કોઈને ઉતારી પાડવાના હેતુથી આ કોમેન્ટ કરી નથી.

નાણા મંત્રીના નિવેદન અંગે કાકારો એવું કહી રહ્યા છે કે કોરોનાના કારણે મોંઘવારી વધશે, તેવા નિવેદનમાં નાણામંત્રી વચ્ચે ”પણ” શબ્દ બોલવાનું ભૂલી ગયા લાગે છે, કારણકે મોંઘવારી વધવાના અનેક કારણો છે, જેમાં હાલ કોરોનોના વાયરસથી ઊભી થયેલી સ્થિતિનો ઉમેરો થયો છે. સિતારમણનું વિચારભ્રમણ મોંઘવારી માટેનું એક નવું બહાનું શોધી રહ્યું હોવાનો કટાક્ષ થઈ રહ્યો છે.