જમ્મુ-કાશ્મીર: ત્રાલમાં ત્રણ ત્રાસવાદીઓનો ખાત્મો

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બુધવારે વહેલી સવારે સેના અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. તેમાં ત્રણ ત્રાસવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે, ત્રાલના અવંતિપોરામાં ત્રાસવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારપછી સેનાએ અહીં સર્ચ ઓપરેશન શરૃ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરીંગ શરૃ કરી દીધું હતું. સેનાએ જવાબી કાર્યવાહીમાં ત્રણ ત્રાસવાદીઓને ઠાર કર્યા હતાં. આ પહેલા પાંચ ફેબ્રુઆરીએ પણ ર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતાં, જો કે આ અથડામણમાં સીઆરપીએફના એક જવાન શહીદ થયા હતાં.

આ પહેલા તા. ૩૧ જાન્યુઆરીના જમ્મુ-શ્રીનગર હાઈ-વે પર ટ્રકમાં છૂપાયેલા ૪-પ આતંકીઓએ સેના પર હુમલો કર્યો હતો. ટ્રક નગરોટાના ટોલ પ્લાઝા પર ચેકીંગ માટે રોકવામાં આવી હતી. ત્યારપછી સેનાએ તે વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૃ કર્યું હતું. આ અથડામણમાં ૩ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતાં, જ્યારે એક પોલીસ જવાન ઘાયલ થયા હતાં. ટ્રકનો ડ્રાઈવર પુલવામામાં હુમલો કરનાર આદિલ ડારનો પિતરાઈ ભાઈ હતો અને તે જ આતંકીઓને ગાઈડ કરી રહ્યો હતો. તે પહેલા તા. રપ જાન્યુઆરીના પુલવામા જિલ્લાના અવંતિપોરા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. તેમાં ર પાકિસ્તાની આતંકી કારિ યાસિર અને બુરહાન શેખને ઠાર કરવામાં આવ્યા હતાં. યાસિર જૈશ-એ-મોહમ્મદના કાશ્મીર વિસ્તારનો કમાન્ડર હતો.

તે ઉપરાંત તા. ર૦ જાન્યુઆરીના પણ શોપિયા જિલ્લામાં અથડામણ દરમિયાન હિજબુલ મુઝાહિદ્દીનના ૩ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતાં જ્યારે ર૧ જાન્યુઆરીના પુલવામા જિલ્લાના અવંતિપોરામાં અથડામણમાં ર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતાં. સેનાના એક જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસનો એસપીઓ શહીદ થયા હતાં.