મોદી સરકારને મોટી રાહત, બ્રિટન, ફ્રાન્સને પાછળ ધકેલી ભારત બન્યું વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર

ભારત દુનિયાની પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બની ગયો છે. 2.94 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે ભારતે 2019માં બ્રિટન અને ફ્રાંસને પાછળ રાખી દીધા છે. વડાપ્રધાન મોદીએ આગામી પાંચ વર્ષમાં ભારતને પાંચ ટ્રીલિયન ડોલરની ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

અમેરિકન રિસર્ચ સંસ્થા વર્લ્ડ પોપ્યુલેશન રીવ્યુએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, આત્મનિર્ભર બનવાની પોતાની પહેલાની નીતિથી આગળ વધતા ભારત હવે એક ખુલ્લી બજારવાળી અર્થવ્યવસ્થા તરીકે વિકસીત થઈ રહ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે સકલ ઘરેલુ ઉત્પાદન (GDP) બાબતે ભારતે 2.94 લાખ કરોડ (ટ્રીલિયન) ડોલરની સાથે દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની ગયો છે. આ બાબતે 2019માં તેણે બ્રિટન અને ફ્રાંસને પાછળ રાખી દીધા છે. આ રિપોર્ટ આવતા અર્થતંત્ર મુદ્દે નેગેટિવ અહેવાલોનો સામનો કરી રહેલી મોદી સરકારને થોડી રાહત થઈ છે.

પીટીઆઈનો સંદર્ભ આપીને આવી રહેલા અહેવાલો મુજબ બ્રિટનની વ્યવસ્થા 2.83 ટ્રીલીયન ડોલર અને ફ્રાંસની 2.7 ટ્રીલીયન ડોલર છે. ખરીદ શક્તિ સમાનતા (PPP)ના આધાર પર ભારતનો GDP 10.51 ટ્રીલીયન ડોલર છે અને તે જાપાન તથા જર્મનીથી આગળ છે. જો કે, ભારતમાં વધારે વસ્તીના કારણે વ્યક્તિ દીઠ GDP ફક્ત 2170 ડોલર છે, જે અમેરિકામાં 62794ડોલર છે. રિપોર્ટમાં એ પણ કહેવાયું છે કે ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર સતત ત્રીજા ત્રિમાસિક ગાળામાં પણ નબળો એટલે કે પાંચ ટકા જેવો રહી શકે છે.

રિપોર્ટમાં કોંગ્રેસના સમયમાં શરૃ થયેલી ઉદારીકરણના વખાણ કરાયા છે. તેમાં કહેવાયું છે કે, ભારતમાં આર્થિક ઉદારીકરણ 1990ના દાયકામાં શરૃ થયું હતું. ઉદ્યોગોને નિયંત્રણ મુક્ત કરાયા અને વિદેશી વેપાર અને રોકાણ પરના નિયંત્રણો ઘટાડાયા હતા. સાથે જ સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. આ અભિગમથી ભારતને આર્થિક વૃદ્ધિ દર તેજ કરવામાં મદદ મળી છે. રિપોર્ટ જાહેર કરનાર વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ અમેરિકાની એક સ્વતંત્ર સંસ્થા છે.