આ તારીખથી મળી રહ્યું છે ગુજરાત વિધાનસભાનું 6 દિવસનું સત્ર,નીતિન પટેલ રજૂ કરશે ગુજરાતનું બજેટ

આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો બાદ મીડિયાને માહિતી આપતા સંસદીય બાબતોના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રની આગામી બેઠકોનો પ્રારંભ 26મી ફેબ્રુઆરીથી થશે.

પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી  નીતિન પટેલ દ્વારા ગુજરાત રાજ્યનું 2020-21ના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ ચૌહાણ – બાવળા મત વિસ્તારના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ હાથ ધરાશે.

27મી ફેબ્રુઆરીથી રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો પ્રારંભ થશે,જે માટે ત્રણ બેઠકો ફાળવવામાં આવેલ છે. બીજી અને ત્રીજી માર્ચે ગૃહમાં રજૂ થયેલી પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન હાથ ધરાશે. જ્યારે અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનો પ્રારંભ ચોથી માર્ચથી થશે, જે માટે કુલ ચાર દિવસ ફાળવવામાં આવેલા છે.

પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે ત્યારબાદ જુદા જુદા વિભાગની માંગણીઓ પર વિભાગવાર ચર્ચા અને મતદાન હાથ ધરાશે,જે માટે કુલ 12 બેઠકો ફાળવવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર સત્ર દરમ્યાન સત્ર દરમ્યાન કામકાજના કુલ૨૨ દિવસ રહેશે અને એકંદરે ગૃહની 25 બેઠકો મળશે. જેમાં સરકારી વિધેયકો અને સરકારી કામકાજ માટે કુલ ત્રણ બેઠકો મળશે. અને સમગ્ર સત્ર દરમ્યાન ત્રણ બેઠકો દરમ્યાન બિન સરકારી વિધેયકો અને અન્ય ત્રણ બેઠકો દરમ્યાન બિન સરકારી સંકલ્પો હાથ ધરાશે. જેમાં મુખ્યત્વે પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ કે સભ્ય દ્વારા સુચવવામાં આવેલ કાયદાકીય જોગવાઇઓ સંદર્ભેમાં ગૃહમાં વ્યાપક ચર્ચા હાથ ધરાશે. જ્યારે છેલ્લા દિવસે એટલે કે 31 માર્ચના રોજ છેલ્લા દિવસનો પ્રસ્તાવ હાથ ધરાશે. આમ એકંદરે ગૃહનું કામકાજ 26મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 31 માર્ચે પૂર્ણ થશે.