કોરોનાવાયરસને લઈ આવ્યા રાહતના સમાચાર, ચીનના રાજદૂતે કરી મોટી જાહેરાત

ભારત સ્થિત ચીનના રાજદૂત સૂન વેઈદોંગે એવો દાવો કર્યો છે કે એમના દેશમાં કોરોનાવાયરસનો ફેલાવો હવે નિયંત્રણમાં આવી ગયો છે. આ સંકટના સમયમાં ચીનની પડખે રહેવાની ભારત સરકારે બતાવેલી તૈયારીની વેઈદોંગે સરાહના કરી હતી.

એમણે કહ્યું કે આ રોગચાળા અંગે ભારત અને ચીનના સત્તાધીશો એકબીજાના સતત સંદેશવ્યવહારમાં રહે છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચીનના પ્રમુખ શી જિનપિંગને પત્ર લખીને આ રોગચાળા અંગે દિલસોજી વ્યક્ત કરી હતી અને રોગચાળાનો સામનો કરવા માટે ચીનની સરકારે હાથ ધરેલા જોરદાર પ્રયાસોને બિરદાવ્યા પણ હતા.

વેઈદોંગે અહીં એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોનાવાયરસને કારણે આર્થિક અસર કામચલાઉ છે અને માત્ર સ્થાનિક વિસ્તાર પૂરતી સીમિત છે.

આમ કહીને વેઈદોંગે એમની સરકારે આ વાયરસનો સામનો કરવા માટે લીધેલા પગલાંની સરસ રીતે રજૂઆત કરી હતી. એમણે કહ્યું કે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે આ વાયરસને કાબૂમાં લઈ લેશું. આ રોગચાળાએ ચીન તથા સમગ્ર વિશ્વ માટે મોટા પડકારો ઊભા કર્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસને કારણે ચીનમાં અત્યાર સુધીમાં 1900જણના મોત થઈ ચૂક્યા છે. સૌથી વધુ ખરાબ અસર હુબેઈ પ્રાંતના વુહાન શહેરમાં થઈ છે. ત્યાં એક મોટી હોસ્પિટલનાં એક ડાયરેક્ટરને પણ આ રોગ લાગુ પડતાં એમનું મૃત્યુ નિપજ્યું છે. એ પહેલાં કોરોનાએ એક ડોક્ટરનો પણ જાન લીધો હતો.

જોકે રાહતના સમાચાર એ છે કે છેલ્લા અમુક દિવસોથી કોરોનાથી મરતા લોકોની સંખ્યા ઘટી છે. તાજા આંકડા અનુસાર, છેલ્લા અમુક દિવસોમાંથી કોરોનાથી પ્રતિ દિવસ મરતા લોકોની સંખ્યામાં 31 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ રોગની શરૂઆત વુહાન શહેરમાં થઈ હતી.