કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીની મોટી જાહેરાત, થર્મલ કોલસાની આયાત પર પૂર્ણ વિરામ મુકાશે

કેવડિયા ખાતે ગઇકાલથી ચાલી રહેલી ભારત સરકારના કોલસા અને ખાણ મંત્રાલયની  દ્વિ-દિવસીય ચિંતન શિબિર પ્રસંગે આજે કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોશીએ જણાવ્યું કે, તાપ વીજળીના ઉત્પાદન સહિત બળતણ તરીકે વિવિધ રીતે ઉપયોગમાં લેવાતા થર્મલ કોલસાની આયાત પર નાણાંકીય વર્ષ 23-24 સુધીમાં પૂર્ણ વિરામ મૂકીને દેશ આત્મનિર્ભર બનશે. બે દિવસની આ ચિંતન શિબિરમાં કોલસાના ક્ષેત્રને અવરોધરૂપ બાબતોના નિરાકરણ માટે અભિનવ ઉકેલોનો વ્યાપક વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

આ શિબિરમાં કેન્દ્રીય કોલસા સચિવ  અનીલકુમાર જૈન, કેન્દ્રીય ખાણ સચિવ સુશીલકુમાર, કોલ ઈન્ડિયાના ચેરમેન પ્રમોદ અગ્રવાલ,  SSCL ના ચેરમેન એન. શ્રીધર, NLC ના ચેરમેન રાકેશકુમાર, કોલ ઈન્ડિયાની આનુસંગિક  કંપનીઓના ચેરમેન-મેનેજીંગ ડિરેકટરો તેમજ કેન્દ્રીય  કોલસા મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રલ્હાદ જોશીએ માધ્યમો સાથેના સંવાદમાં ઉપર મુજબ જણાવતાં  તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નાણાંકીય વર્ષ 23-24 સુધીમાં CIL-1 બિલિયન ટન કોલસા ઉત્પાદનના આંકે પહોંચવાનું લક્ષ્ય રાખે છે. શિબિરમાં હિત ધારકો સાથે આ લક્ષ્ય સિદ્ધિની રૂપરેખા વિગતવાર ચર્ચવામાં આવી હતી. વધુમાં 2030 સુધીમાં અનામત અને વ્યાપારિક ખાણોમાંથી વધુ પ્રમાણમાં કોયલના પરિવહનની બાબતમાં રેલવે અને શિપિંગ મંત્રાલયો સાથે CIL સંકલન કરે એવું નિર્ધારિત કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત શિબિરમાં કોલ સેક્ટરનું વિવિધિકરણ, CIL દ્વારા કોલસાની ખાણોના સ્થળે તાપ વિદ્યુત મથકોની સ્થાપના 23-24 સુધીમાં પાંચ ગીગાવોટ સૂર્ય ઉર્જાના ઉત્પાદનની સુવિધાની સ્થાપના, 2030 સુધીમાં 50 મિલિયન ટન્સ  કોલસાના ગેસમાં રૂપાંતરણની ક્ષમતા કેળવવી જેવા, CILને સુસંકલિત બહુ ઉર્જા એકમ બનાવવાના વિકલ્પોનો શિબિરમાં સઘન વિચાર- વિમર્શ કરવામાં આવ્યો હોવાનો એમણે સંકેત આપ્યો હતો.