ગરમાગરમ ચર્ચા: શું અલ્પેશ ઠાકોર કેજરીવાલ સાથે હાથ મેળવશે?

દિલ્હી વિધાનસભાની ચૂંટણણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના સૂપડા સાફ કરી નાંખ્યા છે ત્યારે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી ઝંપલાવવા જઈ રહી છે. આવી રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા આપ દ્વારા સમગ્ર ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

આવા સમયે ગુજરાતમાં ઓબીસી ચહેરો બનેલા અને ઠાકોર સેનાના વડા અલ્પેશ ઠાકોર માટે ગરમાગરમ અટકળો ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અલ્પેશ ઠાકોરે ભાજપ સામે બગાવતી સુર રેલાવી દીધા છે. એલઆરડી આંદોલન મામલે અલ્પેશ ઠાકોરે પોતાની જ ભાજપ સરકારને અલ્ટીમેટમ આપી દીધું હતું અને આના પરથી લાગી રહ્યું હતું કે અલ્પેશ ઠાકોરનું મન ભાજપમાં ઉચાટ થઈ ગયું છે.

સૂત્રોની વાત માનીએ તો ભાજપમાં અલ્પેશ ઠાકોરને રાધનપુરની ચૂંટણી હાર્યા બાદ કોરાણે મૂકી દેવામાં આવ્યા છે. કોંગ્રેસમાં જોયેલી જાહોજલાલી ભાજપમાં ગયા પછી ખલાસ થઈ ગઈ છે ત્યારે અલ્પેશ ઠાકોર આપમાં જોડાઈ રહ્યા હોવાની વાતો જોરશોરથી ચર્ચાઈ રહી છે. હજુ સુધી આ અંગે અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા જાણી શકાઈ નથી.