ટેલિકોમ કંપનીઓને ઝટકા પર ઝટકા, રાહતની આશા ધોવાઈ, AGR પર GST ભરવો પડશે

ટેલિકોમ કંપનીઓની એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)માં રાહતની આશા ધોવાઈ ગઈ છે. હવે કંપનીઓને વધુ એક આંચકો વેઠવો પડે તેવી શક્યતા છે. ટેક્સ સત્તાવાળાએ નહીં ચૂકવાયેલા એજીઆર લેણાં પર જીએસટી અને સર્વિસ ટેક્સની નોટીસ મોકલવાનું શરૃ કર્યુ છે. જીએસટીના અમલ પહેલાંના ગાળા માટે કંપનીઓને 15 ટકા સર્વિસ ટેક્સ ચૂકવવા જણાવાયું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર 1-જુલાઈ-2017 થી કંપનીઓ પાસે 18 ટકા જીએસટીની માંગણી કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અધિકારીઓએ ટેલિકોમ કંપનીઓનો સંપર્ક શરૃ કર્યો છે અને તેમને એજીઆર ઉપરાંત સર્વિસ ટેક્સ ચૂકવવા જણાવ્યું છે. કંપનીઓને જીએસટી ચૂકવવા પણ જણાવાયું છે. અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, બંધ થઈ ચૂકેલી અથવા નાદારીની પ્રક્રિયા હેઠળની કંપનીઓ પાસે પણ ટેક્સની માંગણી કરવામાં આવી છે. ટેલિકોમ કંપનીઓએ આ વાતને સમર્થન આપ્યું હતું અને આગામી પગલાના ભાગરૃપે તેઓ કાનૂની સલાહ લઈ રહ્યાં હોવાનું જણાવ્યું છે.

સેલ્યુલર ઓપરેટર્સ એસો. ઓફ ઈન્ડિયા (સીઓએઆઈ)ના ડિરેક્ટર જનરલ રાજન મેથ્યુસે જણાવ્યું હતું કે, “ઓપરેટર્સને એજીઆર પર સર્વિસ ટેક્સ અને જીએસટી ચૂકવવા નોટીસ મળી છે. અમે અગાઉના વર્ષો માટેના સર્વિસ ટેક્સની ચૂકવણી બાબતે વકીલની સલાહ લઈ રહ્યાં છીએ. કારણ કે જીએસટી હેઠળ તેને કેવી રીતે સુલટાવાશે એ હજુ સ્પષ્ટ નથી.” જોકે, કાનૂની નિષ્ણાતોના મતે કંપનીઓ જીએસટી હેઠળ આ ખર્ચ સુલટાવી શકે નહીં.

લો ફર્મ શાર્દૂલ અમરચંદ મંગલદાસના પાર્ટનર રજત બોસે જણાવ્યું હતું કે, “જીએસટીના અમલ પહેલાં રિવર્સ-ચાર્જ મિકેનઝિમ હેઠળ ટેલિકોમ કંપનીઓ દ્વારા આવા ચાર્જિસ પર સર્વિસ ટેક્સ ચૂકવાતો હતો. એજીઆરના લેણાં પર 15 ટકા લેખે સર્વિસ ટેક્સનું લેણું ટેલિકોમ કંપનીઓ માટે ખર્ચ હોવાથી તેમને આ પ્રકારના સર્વિસ ટેક્સ પર સેનવેટ ક્રેડીટ મળવાપાત્ર નહીં. થાય. “ઉલ્લેખનીય છે કે, સુપ્રીમકોર્ટે નાણા નહીં ચૂકવવા બદલ કંપનીઓની ઝાટકણી કાઢયા પછી ભારતી એરટેલ, વોડાફોન ઈન્ડિયા, ટાટા ટેલિસર્વિસીસ, ટેલિનોર, એરસેલ અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સે સરકારને વ્હેલી તકે 147 કરોડ ચૂકવવા પડશે.