બિહારમાં નીતીશ કુમાર-ભાજપને હંફાવવા પ્રશાંત કિશોર કરી શકે છે આવી મોટી જાહેરાત

રણનાતિકારથી રાજકીય સફરની શરૂઆત કરનાર પ્રશાંત કિશોર હવે નીતીશ કુમારથી અલગ થઈ ગયા છે, પરંતુ હવે તેઓ બિહારના રાજકારણમાં નવા અવતારમાં જોવા મળશે. પીકે મંગળવારે પટનામાં તેમની ભાવિ રાજકીય સ્થિતિ અને દિશા વિશે વિગતવાર ખુલાસો કરશે, પરંતુ તે પહેલાં ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે બિહારમાં તેઓ મેનેજર તરીકે કોઈ સાથે સારથી નહીં બનશે પણ રાજકીય યોદ્ધા મેદાનમાં ઉતરીને મુકાબલો કરશે.

પ્રશાંત કિશોરે કહ્યું કે મારો જન્મ બિહારમાં થયો છે, તેથી બિહારથી મારો ગાઢ સંબંધ છે. ભલે દેશભરમાં રાજકીય મેનેજર તરીકે કામ કર્યું હોય, પરંતુ બિહારમાં મેં રાજકીય કાર્યકર્તા તરીકે મારી રાજકીય સફર શરૂ કરી. આવી સ્થિતિમાં  સ્પષ્ટપણે સમજો કે બિહારમાં મારી ભૂમિકા મેનેજરની નહીં પરંતુ  રાજકીય કાર્યકર તરીકેની રહેશે.

પ્રશાંત કિશોરે વધુમાં કહ્યું કે, ઉત્તર પ્રદેશ સિવાય છેલ્લા છ વર્ષમાં હું વ્યૂહરચનાકાર તરીકે કોઈ ચૂંટણી હાર્યો નથી. આમાંથી એક વાત સ્પષ્ટ છે કે હું ચૂંટણી હારવા નહીં પણ જીતવા ઉતર્યો છું. તેમણે કહ્યું કે હું રાજકારણથી દૂર નહીં જઇશ, પરંતુ હું રાજકીય સક્રિયતાને વધારે આગળ લઈ જવા માંગુ છું.

પ્રશાંત કિશોરે કહ્યું કે અમે બિહાર માટે જે પણ વિશેષ યોજના બનાવી છે તે આગામી બે-ત્રણ મહિનામાં લોકોને સ્પષ્ટ દેખાશે. આ સિવાય મંગળવારે આગળની રણનીતિની વિગતવાર જાહેર કરવામાં આવશે અને તે જણાવવામાં આવશે કે અમે કઈ યોજના હેઠળ કામ કરીશું.