CAA: યોગી સરકારને મોટો ઝટકો, હિંસામાં થયેલા નુકસાનની વસૂલાત કરવા પર કોર્ટનો સ્ટે

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ના વિરોધ દરમિયાન થયેલા નુકસાનના વળતર અંગે અલ્હાબાદ હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે નુકસાનને પહોંચી વળવા માટે અપાયેલી રિકવરી નોટીસ પર સ્ટે આપ્યો છે. જાહેર સંપત્તિને થયેલા નુકસાન અંગે એડીએમ સિટી કાનપુરે નોટીસઈશ્યુ કરી હતી. હાઈકોર્ટે તમામ નોટીસો પરના આગામી આદેશ સુધી સ્ટે આપી દીધો છે.

કાનપુરના મોહમ્મદ ફૈઝાને અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે 4 જાન્યુઆરી 2020ના રોજ એડીએમ સિટી દ્વારા આપવામાં આવેલી નોટીસને પડકારી હતી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના મામલે માર્ગદર્શિકા નિર્ધારિત કરવામાં આવી છે, જેનું યોગી સરકારે પાલન કર્યું નથી.

અરજદારે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર જાહેર સંપત્તિના નુકસાનની આકારણી કરવાનો હાઇકોર્ટનો અધિકાર સીટીંગ અથવા નિવૃત્ત ન્યાયાધીશ અથવા હાઇકોર્ટના જિલ્લા ન્યાયાધીશને છે. એડીએમ સિટીને નોટિસ ફટકારવાનો અધિકાર નથી. ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને નિયમો તૈયાર કર્યા છે, જે સુપ્રીમ કોર્ટ સમક્ષ વિચારણા હેઠળ છે.

આ અરજીની સુનાવણી કરતી વખતે જસ્ટીસ પંકજ નકવી અને જસ્ટીસ એસ.એસ. શમશેરીની બેન્ચે નુકસાનની ભરપાઇ માટે આપવામાં આવેલી રિકવરી નોટીસ પર સ્ટે આપ્યો છે.

નાગરિકતા સુધારો અધિનિયમ (CAA)ના વિરોધ દરમિયાન ઉત્તર પ્રદેશમાં હિંસા થઈ હતી,ત્યાર પછી યોગી સરકારે વિરોધ કરનારાઓ સામે પગલાં લેવાનાં શરૂ કર્યાં અને જાહેર સંપત્તિના નુકસાનની વસૂલાત માટે તેમને લોકો પાસેથી રિવકરીની નોટીસ ઈશ્યુ કરવામાં આવી હતી. જો દંડ ભરવામાં નહીં આવે તો સંપત્તિને નીલામ કરી શકાય છે.