નિર્ભયાને મળ્યો ન્યાય, ત્રીજી માર્ચે, સવારે 6 વાગ્યે દોષિતોને ફાંસીના માંચડે લટકાવી દેવાશે

નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપીને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું છે. પટીયાલા હાઉસ કોર્ટે લગભગ એક કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવા માટે સોમવારે ત્રીજી માર્ચની તારીખ નક્કી કરી છે. નવા ડેથ વોરંટ અનુસાર નિર્ભયાના આરોપીને ત્રીજી માર્ચે સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે.

આ પહેલા બપોરે બરાબર બે વાગ્યે શરૂ થયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું હતું કે ત્રણેય દોષિત અક્ષય, વિનય અને મુકેશની દયા અરજી નામંજૂર કરવામાં આવી છે. દોષિત પવન દ્વારા આ કેસમાં દયાની અરજી અને ક્યુરેટિવ પીટીશન હજી બાકી છે. સરકારી વકીલે કહ્યું કે, હાઇકોર્ટે આપેલો એક અઠવાડિયાનો સમયગાળો પણ 11 ફેબ્રુઆરીએ પુરો થયો છે. તેમણે દલીલ કરી હતી કે હાલમાં કોઈ પણ દોષીની અરજી કોઈ પણ કોર્ટમાં પેન્ડીંગ નથી, તેથી નવું ડેથ વોરંટ જારી કરી શકાય છે.

સરકારી વકીલની અરજી બાદ દોષિતોના વકીલ એ.પી.સિંહે કહ્યું કે વિનયની માનસિક સ્થિતિ સારી નથી. તેમણે કહ્યું કે તેની હાલત એટલી ખરાબ છે કે તેણે 11 ફેબ્રુઆરીથી ખાવાનું પીવાનું પણ બંધ કરી દીધું છે. એ.પી.સિંહે કોર્ટને કહ્યું કે આજે વિનયની માતા તેને જેલમાં મળવા ગઈ હતી, વિનયના આખા માથા પર પટ્ટીઓ હતી. આ એક ગંભીર બાબત છે. તેમણે અદાલતને વિનયનો મેડિકલ રિપોર્ટ મંગાવવાની મંગાવવાનું કહ્યું અને જણાવ્યું કે વિનય માથામાં વાગ્યું છે. જેલ અધિક્ષકને રીપોર્ટ માંગતી વખતે જેલનું મેન્યુઅલ જાળવવાનું કહેવામાં આવવું જોઈએ.

દોષિતોના વકીલ એપી સિંહે કોર્ટને જણાવ્યું હતું કે અમે અક્ષયની દયા અરજી કરવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે કેટલાક દસ્તાવેજો સબમીટ કરવાના બાકી છે. અક્ષયના માતા-પિતાએ અધરી એફિડેવિટ સાથે દયાની અરજી કરી હતી. વકીલ એ.પી.સિંહે કહ્યું કે જો કોર્ટ અમને મંજૂરી આપે તો અમે અક્ષયની સહી કરાવી રાષ્ટ્રપતિને દયાની અરજી કરીશું. જ્યારે પવનના વકીલ રવિ કાઝીએ કોર્ટને કહ્યું હતું કે વિનયની પણ ક્યુરેટીવ પીટીશન અને દયાની અરજી કરવા માંગીએ છીએ.