નમસ્તે ટ્રમ્પ: ટ્રમ્પની સુરક્ષા જોઈને દંગ થઈ જશો, આટલા બધા CIA એજન્ટ-સ્નાઈપર્સનો કાફલો ખડકાયો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પના અમદાવાદ પહોંચે તે પહેલા તેમના સ્વાગત અને સલામતી માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. દરમિયાન અમેરિકન એરફોર્સ હર્ક્યુલસ વિમાન અને સ્નાઈપર્સ અમદાવાદ પહોંચી ગયા છે.

દરમિયાન સોમવારે અમેરિકન એરફોર્સ હર્ક્યુલસ વિમાન અમદાવાદ એરપોર્ટ પહોંચ્યું હતું. આ વિમાનમાં તે તમામ વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ટ્રમ્પની સલામતી માટે અમદાવાદમાં ગોઠવવામાં આવ્યા છે. અમેરિકન એરફોર્સના હર્ક્યુલસ વિમાનમાં વાહનોનો કાફલો, ફાયર સેફ્ટી સિસ્ટમ્સ અને જાસૂસ કેમેરા જેવી વસ્તુઓ શામેલ છે. અમેરિકન એજન્સી સીઆઈએના 200 જવાનો સ્ટેડિયમમાં પોતાનો કંટ્રોલ રૂમ બનાવી ચૂક્યા છે. આવી જ રીતે ભારતની સુરક્ષા એજન્સી એસપીજી અને ગુજરાત પોલીસે પણ સ્ટેડિયમની અંદર પોતાનો એક અલગ કંટ્રોલ રૂમ બનાવ્યો છે.

નોંધનીય છે કે, રવિવારે અમેરિકન સિક્રેટ સર્વિસનાં 18 જેટલા અધિકારીઓએ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહ્યાં છે. જોકે તે પહેલા તંત્ર તરફથી તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

ડેલીગેશનનું પહેલું વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. જેમાં સુરક્ષા સાધનો અને ડેલીગેશનનો જરૂરી સામાન અમદાવાદ એરપોર્ટ પરના કાર્ગો પર ઉતારવામાં આવ્યો હતો જેની તસવીરો સામે આવી હતી.

નોંધનીય છે કે, ટ્રમ્પની સુરક્ષા માટે એસપીજી – એનએસજી કમાન્ડો, અમેરિકી સિક્રેટ સર્વિસનાં ગાર્ડ તેમજ સ્થાનિક પોલીસનો સમાવેશ થાય છે. કંટ્રોલ રૂમ ડીસીપી વિજય પટેલના જણાવ્યા પ્રમાણે, 24 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર ‘ગાર્ડ ઓફ ઓનર’થી સ્વાગત કરશે.