ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે ચૂંટણી જાહેર, આ તારીખે થશે ચૂંટણી

રાજ્યસભા માટે ચૂંટણી પંચે ગુજરાતની ચાર બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર કરી છે.  26મી માર્ચે ચૂંટણી યોજવામાં આવશે અને તે જ દિવસે મત ગણતરી પણ કરવામાં આવશે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સાંસદની મુદ્દત એપ્રિલ મહિનામાં પૂરી થઈ રહી છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સાંસદ ફારેગ થઈ રહ્યા છે, ત્યારે રાજ્યસભાના ગણિતને બેસાડવાનો ખેલ શરૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં રાજ્યસભાના સાંસદોની ચૂંટણી વિવાદ અને કાયદાકીય લડત સુધી પહોંચી હતી અને હવે માર્ચમાં યોજાનારી ચૂંટણી પણ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ સર્જી જાય તો નવાઈ પામવા જેવું રહેશે નહીં. ચૂંટણી પંચે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે.

ભાજપના ફારેગ થઈ રહેલા સાંસદોમાં ચૂનીભાઈ ગોહિલ, મહંત શંભૂપ્રસાદ તૂંડીયા અને લાલસિંહ વડોદીયા છે, જ્યારે કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી ફારેગ થઈ રહ્યા છે. નવ એપ્રિલે ચારેય સાંસદો માટે રાજ્યસભાની અંતિમ તારીખ છે અને તે પહેલાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે.