કોપ-13: PM મોદીએ કહ્યું “નિર્ધારિત સમય મર્યાદા પહેલાં જ ભારતમાં વાઘની સંખ્યા બમણી થઇ ગઇ” 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થળાંતર કરતા વન્ય પ્રાણીઓની પ્રજાતિઓના સંરક્ષણ માટેની 13મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગાંધીનગર ખાતે શુભારંભ કરાવતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત દુનિયામાં સૌથી વધુ જૈવ વૈવિધ્ય ધરાવતા દેશોમાંથી એક છે. દુનિયામાં કુલ ભૂમિ વિસ્તારમાંથી 2.4 ટકા હિસ્સા સાથે ભારત વૈશ્વિક જૈવ વિવિધતામાં અંદાજે 8 ટકા જેટલું યોગદાન આપે છે.

પ્રધાનમંત્રીએ ભારતમાં વન્ય આવરણમાં વધારો કરવાની જરૂર હોવાનું કહ્યું હતું. હાલમાં દેશમાં કુલ ભૌગોલિક વિસ્તારમાંથી 21.67 ટકા વિસ્તારમાં વન્ય આવરણ છે. 2010માં ભારતમાં વાઘની સંખ્યા 1411 હતી જે 2022 સુધીમાં બમણી કરવાનું લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં હાંસલ થઇ ગયું છે અને હાલમાં વાઘની સંખ્યા 2967 છે.” સંમેલનમાં ઉપસ્થિત ટાઇગર રેન્જ દેશો અને અન્ય દેશોને તેમણે સીમાચિહ્નરૂપ પ્રવૃત્તિઓનું આદાનપ્રદાન કરીને વાઘના સંરક્ષણની કામગીરી વધુ મજબૂત કરવાની અપીલ કરી હતી. એશિયાઇ હાથીઓના સંરક્ષણ માટે ભારત દ્વારા હાથ ધરાયેલી પહેલ વિશે તેમણે જણાવ્યું હતું. તેમણે હીમપ્રદેશના દીપડા, એશિયાઇ સિંહ, એક શ્રૃંગી ગેંડા અને ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણ માટે કેવા પ્રયાસો હાથ ધરવા તે વિશે પણ જણાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે આ સમિટનું મેસ્કોટ ‘ગિબિ – ધ ગ્રેટ’ એ ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડને સમર્પિત છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ભારત 2020 સુધીમાં તેની દરિયાઇ કાચબા નીતિ અને દરિયાઇ સ્થાઇ વ્યવસ્થાપન નીતિનો અમલ કરશે. તેમણે જણાવ્યું કે, આનાથી માઇક્રો પ્લાસ્ટિકના કારણે ફેલાતા પ્રદૂષણને પણ નાથવામા આવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણના સંરક્ષણ માટે મોટો પડકાર છે અને ભારતે આવા પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટે મિશન શરૂ કર્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યાયાવર (માઇગ્રેટરી) પક્ષીઓને ‘વસુધૈવ કુટુંમ્બકમ’ની ભારતીય વિચારધારાને જોડનારા પક્ષીઓ ગણાવ્યા છે.   એક દેશથી બીજા દેશ અને એક ખંડથી બીજા ખંડનો પ્રવાસ કરનારા આવા યાયાવર પક્ષીઓ દેશ-દુનિયાને એકબીજાથી જોડે છે.

મુખ્યમંત્રીએ આ અંગેની વિશદ ભૂમિકા આપતાં ઉમેર્યુ કે, ગુજરાતે વર્ષોથી વ્હેલ શાર્ક, એશિયાટિક લાયન, ઘૂડખર અને કાચબા જેવા જીવો તેમજ ઘોરાડ જેવા પક્ષીઓના સંરક્ષણ-જતનમાં સફળતા મેળવેલી છે.

કેન્દ્રીય પર્યાવરણ,વન અને કલાઇમેટ ચેન્જ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતમાં કલાયમેટ ચેન્જ અંગે એક અલાયદો વિભાગ શરૂ કરીને પર્યાવરણના જતન માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ભારત વન્યપ્રાણી સૃષ્ટિની અનેક સ્થળાંતરિત પ્રજાતિઓનું ઘર છે જેમાં સ્નો ચિત્તા, અમુર ફાલ્કન્સ, બાર હેડ ગીઝ, બ્લેક નેકડ ક્રેન્સ, દરિયાઇ કાચબા, ડમ્પોંગ્સ, હમ્પબેક્ડ વ્હેલ વગેરેનો સમાવેશ થાય છે. ભારતે સાઇબેરીયન ક્રેન્સ,મરીન ટર્ટલ્સ, ડુગોંગ્સ અને રેપ્ટર્સના સંરક્ષણ અને કાળજી માટે સીએમએસ સાથે કાયદેસર રીતે બંધનકર્તા એમઓયુ પર હસ્તાક્ષર પણ કર્યા છે. મંત્રીશ્રીએ વિશ્વભરમાંથી આવેલા તમામ પ્રતિનિધિઓને આવકારીને સમિટની સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી.

કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય મંત્રી બાબુલ સુપ્રિયોએ આ ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, આ સમિટમાં વિચરતી પ્રજાતિઓને પડતી મુશ્કેલીઓ પર ચર્ચા કરી તેને દૂર કરાશે. ભારતના બંધારણમાં દર્શાવેલ નાગરિકની મૂળભૂત ફરજોમાંની એક ફરજ જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની, તેની સુધારણા કરવાની તથા જીવ પ્રત્યે અનુકંપા રાખવાની છે. જેને હવે દરેક નાગરિક નિભાવી રહ્યો છે તે ગર્વની વાત છે.

કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પિસિસના એક્ઝિક્યુટિવ સેક્રેટરી એમી ફ્રેન્કલે જણાવ્યું કે, યાયાવર પક્ષીઓના સંરક્ષણ માટે કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પિસિસની આ બેઠક ખૂબ જ અગત્યની છે. તાજેતરના UNEPના રિપોર્ટે યાયાવર પ્રજાતિઓનુ એક વરવુ દ્રશ્ય ખડું કર્યું છે.

તેમણે ઉમેર્યુ કે જીરાફ, શાર્ક, ગોરીલા જેવા વિવિધ પ્રાણીઓના સંરક્ષણ માટે આ પૂર્વે પણ આ પ્રકારની બેઠક યોજાઇ ચૂકી છે જેના સુખદ પરિણામો મળ્યા છે. તેમના મુજબ પશુ-પક્ષીઓની 70% ટકા (અનુસૂચિ-૧)થી વધારે પ્રજાતિઓ અતિશોષણના ઓથાર હેઠળ જીવી રહી છે. CMS થકી આપણે નવી રણનીતિઓ ઘડી પ્રકૃતિ સંરક્ષણ માટે નવા આંતરરાષ્ટ્રીય માળખા રચવાની જરૂર છે.
તેઓએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સહકાર, સ્પષ્ટ લક્ષ્ય અને તેને પૂર્ણપણે પ્રાપ્ત કરવા માટેની દ્રષ્ટિ વર્તમાન સમયે પ્રકૃતિ સંરક્ષણ માટે સૌથી વધુ અગત્યના પરિબળો છે. નવા ભય અને પડકારોને પહોંચી વળવા, વિલુપ્ત થઇ રહેલી પ્રજાતિઓના સંરક્ષણ માટે માનવો-પર્યાવરણવિદોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે સહિયારા પ્રયાસો આવશ્યક છે.

તેમણે વધુમાં કહ્યું કે, એ યાદ રાખવું જોઈએ કે આ પ્રાણીઓ-પક્ષીઓ અને તેની વિવિધ પ્રજાતિઓ અમૂલ્ય છે. રાષ્ટ્ર અને તેની સીમાઓ, ધ્વજ, ભાષા, રૂપિયા, ડોલર અને યુરોથી પણ વધારે મુલ્યવાન છે. કોપ-13 અને સીએમ.એસ. એક લીગલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે વન્યજીવન સંરક્ષણના માર્ગે આડે આવતા વિઘ્નોનો ઉકેલ લાવવામાં મદદરૂપ બનશે. વન્યજીવ સંરક્ષણની આ લડાઇ કોઈ રાષ્ટ્ર -કોઈ પ્રશાસન સામે નથી પરંતુ આપણી સામે જ આપણી લડાઇ છે. તેઓએ આ બેઠકના આયોજન બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, ભારત સરકાર અને ગુજરાત રાજ્યને અભિનંદન પાઠવ્યા હતા તથા તેની સફળતા માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રની પર્યાવરણ સુરક્ષા સમિતિના ડે. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જોયી મ્સુયાએ જણાવ્યું કે, પૃથ્વીનું સરેરાશ તાપમાન સતત વધી રહ્યું છે ત્યારે અનેક અગત્યની પ્રજાતિઓનો વિલુપ્તિ દર ચોંકાવનારો છે. ઇકોલોજીકલ ડિવાસ્ટેશનને ખાળવા માટે તે દિશામાં જરૂરી પગલાં ભરી સાથે કામ કરવાની જરૂર છે.