જૂઓ વીડિયો: રાજકોટમાં રેન્જ રોવરના માલિકે 40 રૂપિયાનો ટોલ ટેક્સ નહીં ભરવા કાઢી રિવોલ્વર, પછી શું થયું, જાણો

રાજકોટ નજીક આવેલા ગોંડલમાં ભરૂડી ટોલનાકે 40 રૂપિયાના ટોલ માટે 40 લાખ રૂપિયાની મોંઘીદાટ રેન્જ રોવર કાર ચલાવનારે રિવોલ્વર કાઢી હતી અને રોડ પરના બેરીકેટને તોડી ફરાર થઈ ગયો હતો. આ  મામલામાં ડ્રાઇવરનો સાથી પણ ટોલ કર્મચારી સાથે સામેલ હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાના કારણે વીડિયો પણ વાયરલ થયો છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે ટોલ કામદારો કારને રોકે છે. ત્યારે એક યુવક તેમાંથી નીચે ઉતરીને ટોલ કામદાર સાથે ઝઘડો કરે છે. પરંતુ તે દરમિયાન ડ્રાઇવર કાર હાંકી મૂકે છે અને બેરીકેટ તોડી ત્યાં ઉભેલા પોતાના મિત્રને પણ ટક્કર મારે છે. ત્યાર બાદ તે નીચે આવે છે અને ટોલ કામદારોને રિવોલ્વર બતાવે છે અને કર્મચારીઓને ધક્કો મારે છે. આટલું કર્યા બાદ રેન્જ રોવરનો ચાલક અને તેનો મિત્ર ત્યાંથી છટકી જાય છે.

જૂઓ વીડિયો…

સંવાદદાતાના જણાવ્યા મુજબ આ મામલો ભરૂડી ટોલનાકાનો છે. જ્યાં ઝીરો નંબરની લેનમાંથી પસાર થઈ રહેલી રેન્જ રોવર કારને ટોલ કર્મચારીએ અટકાવી હતી અને ટોલના 40 રૂપિયા ભરવા જણાવ્યું હતું. ટોલ કર્મચારીઓ સાથે ઝઘડો કર્યા બાદ કાર ચાલકે રિવોલ્વર બહાર કાઢી હતી. જેને જોઇને ટોલ કામદારો પીછેહઠ કરી ગયા. અને કાર ચાલક ત્યાંથી નાસી છૂટયો હતો. આ કેસની માહિતી મળતાં પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.