યાયાવર પક્ષીઓની ગણતરીમાં ગુજરાત નંબર વન: નળ સરોવર, થોળ તળાવમાં પક્ષીઓનો અભૂતપૂર્વ ધસારો

ગુજરાતના વન વિભાગ દ્વારા દર બે વર્ષે એક વાર નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્ય ખાતે પક્ષી ગણતરી યોજવામાં આવે છે. તાજેતરમાં થયેલ પક્ષી ગણતરીમાં નળ સરોવર ખાતે પક્ષીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. જ્યારે કચ્છમાં યોજાયેલ પ્રથમ પક્ષી વસ્તી ગણતરીમાં મોટી માત્રામાં પક્ષીઓ નોંધાયા છે એમ, પક્ષી ગણતરી અંગેની વિગતો આપતાં રાજ્યના વન વિભાગ દ્વારા જણાવાયું છે.

નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્ય ખાતે વનવિભાગ દ્વારા 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગણતરી માટે નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્ય વિસ્તારને અનુક્રમે 40 અને 8 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. ગણતરીમાં રાજ્યભરમાંથી ખાસ આમંત્રિત કરવામાં આવેલ પક્ષીવિદો ઉપરાંત વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મળી કુલ 150થી વધુ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. ગણતરીના આંકડાઓની પ્રજાતિવાર નિષ્ણાંતો દ્વારા ચકાસણી બાદ, ડુપ્લિકેશન દૂર કરી પ્રજાતિવાર પક્ષીઓની સંખ્યાનો અંદાજ આખરી કરવામાં આવ્યો હતો.

આ ગણતરીમાં નળ સરોવરમાં 131 પ્રજાતિઓના 3,15,000થી વધુ પક્ષીઓ નોંધાયા હતા, જે અત્યાર સુધી યોજાયેલી ગણતરીઓમાં સૌથી વધુ છે. જ્યારે થોળમાં 87 પ્રજાતિઓના 57,000થી વધુ પક્ષીઓ નોંધાયા હતા. 2018 યોજાયેલી પક્ષી ગણતરીમાં નળ સરોવર ખાતે 122 પ્રજાતિના 1,43,000થી વધુ પક્ષીઓ તથા થોળ ખાતે 92 પ્રજાતિના 40,000થી વધુ પક્ષીઓ નોંધાયા હતા. નળ સરોવર ખાતે રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા અભિયાન સ્વરૂપે પ્લાસ્ટીકના કચરાની સફાઇ અને વન્યજીવ વ્યવસ્થાપનના ભાગરૂપે કરવામાં આવેલા વન્યજીવ રહેઠાણ સુધારણાની કામગીરીના હકારાત્મક પરિણામ મળ્યા છે.

પક્ષી રક્ષણ માટે ગૃહ વિભાગ તરફથી એસ. આર. પી. અને બોર્ડર વિંગ હોમગાર્ડના હથિયારધારી જવાનોનો સહયોગ મળી રહ્યો છે. જ્યારે વન વિભાગોમાંથી વધારાનો સ્ટાફ મેળવી દિવસ રાત સઘન પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ ખાતાનો સહયોગ મેળવી શિકારી તત્વો સામે કાયદેસરની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નળસરોવર આસપાસના કાંઠાના ગ્રામજનોએ પણ પક્ષી રક્ષણની કામગીરીમાં વનવિભાગને પૂરતો સહયોગ આપ્યો હતો. આ તમામ સહિયારા પ્રયત્નોના પરિણામ સ્વરૂપે નળ સરોવર ખાતે પક્ષીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા નળસરોવરની યોગ્ય જાળવણી અને સંરક્ષણની કામગીરી ઉપરાંત નળ સરોવર ઉપર આજીવિકા માટે આધારિત કાંઠાના ગામોના લોકોને વૈકલ્પિક રોજગારી આપવા, કાંઠાના ગામોમાં યોગ્ય સ્વચ્છતા અને સુવિધાઓનો વિકાસ કરવા તથા પ્રવાસી સુવિધાઓનો વિકાસ કરવા માટે નળસરોવર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે . નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્યના યોગ્ય સંરક્ષણ અને વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નળસરોવર અને થોળ બર્ડ સેમ્યુરી કન્ઝર્વેશન સોસાયટીની રચના કરવામાં આવી છે, તેમ વધુમાં જણાવ્યું છે.

દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત રાજ્યમાં દરિયાઈ અને ભૂમિગત જલપ્લાવિત વિસ્તારોની વધુ સંખ્યા અને વિવિધતાના કારણે ગુજરાતમાં યાયાવર પક્ષીઓની સંખ્યા અને વિવિધતામાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે. ગત વર્ષે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થવાથી રાજ્યના તમામ જળપ્લાવિત વિસ્તારોમાં પાણીનો સંતોષકારક સંગ્રહ થયો છે. જેને ધ્યાને લઇ રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા સૌપ્રથમવાર કચ્છના મોટા અને નાના રણમાં પક્ષીવિદોની મદદથી પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટા રણમાં 4,85,000થી વધુ અને નાના રણ 4,00,000થી વધુ પક્ષીઓ જોવા મળ્યા હતા.

કચ્છના મોટા રણમાં રાજ્ય પક્ષી જાહેર થયેલ ફ્લેમિંગોની ખૂબ મોટી માળા વસાહત વિકસી હતી. ગણતરીમાં કચ્છના મોટા અને નાના રણમાં 5,50,000થી વધુ ફ્લેમિંગો નોંધાયા હતા, જેમાં ત્રણ લાખથી વધુ બચ્ચાનો સમાવેશ થાય છે. પક્ષીઓના આવાગમનના અવલોકન માટે વિખ્યાત પક્ષીવિદ સ્વ. સલીમ અલી દ્વારા સ્થાપિત બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની મદદથી બર્ડ રીંગિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી wildlife institute of india ના વૈજ્ઞાનિક દ્વારા સૌપ્રથમવાર કચ્છના મોટા રણમાં કુલ છ ફ્લેમિંગો પક્ષીઓ માં ઇલેક્ટ્રોનિક ઉપકરણો બેસાડી આ પક્ષીઓની દૈનિક અવરજવરની નોંધ રાખવામાં આવે છે. રાજ્યમાં પક્ષીઓના સંરક્ષણની કામગીરીમાં બિનસરકારી સંસ્થાઓ અને પ્રકૃતિ મંડળોનો ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થાય છે.

રાજ્યમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે પશુપાલન વિભાગના પશુ ચિકિત્સકો તેમજ બિનસરકારી સંસ્થાઓ ની મદદથી વિશેષ કામગીરી થાય છે. ઉતરાયણ દરમિયાન પતંગ દોરીથી ઇજા પામેલ યાયાવર પક્ષીઓની ખાસ સારવાર અને સંભાળ લેવામાં આવે છે. આ કામગીરીની જાણકારી અને તાલીમ મેળવવા તેમજ તેમાં સહભાગી થવા અન્ય દેશોના પશુ ચિકિત્સકો રાજ્યની મુલાકાત લે છે. રાજ્યમાં આવેલ નળ સરોવરને 2012માં આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા જલ પ્લાવિત વિસ્તાર એટલે કે રામસર સાઇટની માન્યતા પ્રાપ્ત થઇ છે. નળ સરોવર ઉપરાંત કચ્છના મોટા રણ અને નાના રણના જલપ્લાવિત વિસ્તારો, ખીજડીયા, ગોસાબારા, વઢવાણા તથા થોળ જેવા અનેક જલ પ્લાવિત વિસ્તારો રામસર સાઇટનો દરજ્જો  મેળવવાની ક્ષમતા ધરાવે છે.