વોડાફોન-આઇડીયા પાસે બે જ રસ્તા, મૂડી રોકાણ કરે અથવા દેવાળુ જાહેર કરે

ભારે દેવું અને સતત થતાં નુકસાનને કારણે મોટા નાણાકીય સંકટનો સામનો કરી રહેલી ટેલિકોમ કંપની વોડાફોન અને આઇડિયા સામે હવે બંધ થવાનું જોખમ તોળાયું છે. નાણાંની તંગી વેઠી રહેલી કંપની પાસે જ બે વિકલ્પ બચ્યા છે ક્યાં તો તેના પ્રમોટરો તેમાં નવી મૂડીનું રોકાણ કરે અથવા તો પોતાની જાતને દેવાળીયા જાહેર કરે. વિશ્લેષકોએ આ વાત કરી છે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે કંપનીને 17 ફેબ્રુઆરી પહેલા 53,000 કરોડ રૂપિયાની બાકી રકમ ચુકવવાનો આદેશ કર્યો છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આશા વ્યક્ત કરી છે કંપની બાકી રકમ ચુકવી દેશે. જો કે વિશ્લેષકો કંપનીના ભાવિ અંગે આશંકિત છે. ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચના નિર્દેશક (કોર્પોરેટ્સ) નીતિન સોનીએ ઇકોનોમિક ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે જો પ્રમોટર્સ તરફથી નવી ઇકવીટી જમા ન કરાવાય તો કંપનીને ડૂબતા કોઇ બચાવી નહીં શકે, કારણકે સુપ્રીમ કોર્ટ ટેલિકોમ કંપનીઓ દ્વારા દાખલ પુનર્વિચાર યાચિકા ફગાવી ચૂકી છે. આ સ્થિતિમાં તેને સરકાર પાસે કોઇ રાહત મળવાની આશા દેખાતી નથી.

વોડાફોન-આઇડિયાની પ્રમોટર્સ કંપનીઓ વોડાફોન ગ્રુપ અને આદિત્ય બિરલા ગ્રુપે આ અંગે કરાયેલા સવાલોનો કોઇ જવાબ આપ્યો નથી. વોડાફોન-આઇડિયા પર 53,000 કરોડ રૂપિયાનું એજીઆર (એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ) બાકી છે. ગુરૂવારે કંપનીના ત્રીજા ત્રિમાસિકના નાણાકીય પરિણામો જાહેર થયા છે, જેમાં તેણે 6,439 કરોડ રૂપિયાનું નુકસાન જાહેર થયું છે. આ સતત છઠ્ઠો ત્રિમાસિક એવો છે જ્યારે કંપનીને નુકસાન થયું છે. શુક્રવારે બીએસઇ પર કંપનીનો શેર 23 ટકા ગબડીને 3.44 રૂપિયા પર બંધ થયો.