મુંબઈ હાઈકોર્ટનો મોટો ફેંસલો,”CAAનો શાંતિપૂર્વક વિરોધ કરનારા ગદ્દાર કે દેશદ્રોહી નથી”

મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચે CAA વિરૃદ્ધ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરનારા લોકોને લઈને ટિપ્પણી કરી કે તેમને માત્ર એટલા માટે ગદ્દાર અને દેશદ્રોહી ન કહી શકાય કારણ કે તે એક કાયદાનો વિરોધ કરવા ઈચ્છે છે. બેંચે CAAના વિરોધમાં આંદોલન માટે પોલીસ દ્વારા અનુમતિ ન આપવા વિરૃદ્ધ કરાયેલી અરજી પર સુનાવણી કરતા આ વાત કહી હતી.

હાઈકોર્ટની બેંચે કહ્યું કે આ પ્રકારના આંદોલનથી CAAના કાયદાને અવગણવાનો કોઈ સવાલ પેદા થતો નથી. કોર્ટ તરફથી આ વ્યક્તિઓના શાંતિપૂર્ણ રીતે આંદોલન શરૃ કરવાના અધિકાર પર વિચાર કરવાની અપેક્ષા કરાય છે. કોઈ નાગરિક કાયદાનો વિરોધ કરવા ઈચ્છે છે, માત્ર આટલા માટે તેને દેશદ્રોહી અને ગદ્દાર ન કહી શકાય. સીએએના કારણે આ સરકાર વિરૃદ્ધ માત્ર એક વિરોધ પ્રદર્શન હશે.

બેંચે બીડ જિલ્લાના એડિશનલ ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ અને મજલગાંવ સિટી પોલીસ દ્વારા અપાયેલા બે આદેશોને રદ કરી નાખ્યા હતાં. પોલીસે એડીએમના આદેશને હવાલો આપતા વિરોધ પ્રદર્શનની અનુમતિ આપવાથી ઈનકાર કર્યાે હતો. બેંચે કહ્યું કે, ભારતને આઝાદી તેવા આંદોલનોના કારણે મળી જે અહિંસક હતાં અને અહિંસાનો આ માર્ગ આજ સુધી આ દેશ દ્વારા અપનાવાયો છે. આપણે ભાગ્યશાળી છીએ કે આ દેશના મોટાભાગના લોકો હજુ પણ અહિંસામાં વિશ્વાસ કરે છે. આ મામલામાં પણ અરજીકર્તા અને તેના સાથી પોતાનો વિરોધ નોંધાવા માટે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવા ઈચ્છે છે.

બેંચે આગળ રહ્યું કે, બ્રિટીશ કાળમાં અમારા પૂર્વજોએ સ્વંત્રતા અને માનવ અધિકારો માટે સંઘર્ષ કર્યાે હતો અને તે આંદોલન પાછળની ફિલોસોફીથી આપણે આપણું સંવિધાન બનાવ્યું તેથી કહી શકાય કે આ દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ લોકો પોતાની સરકાર વિરૃદ્ધ આંદોલન કરી શકે છે અને માત્ર આ આધાર પર તેમના આંદોલનને દબાવી શકાય નહીં.

અત્રે ઉલ્લેખનિય છે કે એડીએમના આદેશમાં બીડના પોલીસ અધિક્ષકની રીપોર્ટનો ઉલ્લેખ કરાયો. રીપોર્ટમાં રહેવાયું કે જુદા-જુદા કારણોથી આંદોલનના કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થાય છે. આ કારણે અરજીકર્તા ઈફતેખાર જકી શેખને માજલગાંવની જુની દરગાહ મેદાનમાં CAA અને NRC વિરૃદ્ધ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની અનુમતિ આપવાથી ઈનકાર કરી દેવાયો હતો.