ભારતના દુશ્મન પર કસાયો ગાળીયો, મૌલાના ફઝલુર્રહેમાન વિરુદ્વ દેશદ્રોહનો કેસ દાખલ કરાશે

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન ભારતના દુશ્મનને પાઠ ભણાવવા માગે છે. વિચિત્ર લાગે છે. પણ સાચું. ઇમરાન ખાને પાકિસ્તાન સંસદ નેશનલ અસેમ્બલીમાં કહ્યું હતું કે જમીઅત ઉલેમા-એ-ઇસ્લામના વડા મૌલાના ફઝલુર્રહેમાન પર રાજદ્રોહ માટે કેસ ચલાવવો જોઇએ. જોકે, આ માંગનો ભારત સાથે કોઈ સંબંધ નથી. ખરેખર આ ઇમરાનનો પોતાનો ડર છે. ઇમરાન ખાને કહ્યું કે ફઝલુર્રહેમાને તેમની સરકારને ઉથલાવવાનું ષડયંત્ર રચ્યું હતું.

ઇમરાન ખાન પાકિસ્તાન-તેહરીક-એ-ઇન્સાફના નેતા છે. તેમનો ફઝલુર્રહેમાન સાથે મેળ નથી. ઈમરાન ખાનની માંગનો રાષ્ટ્રીય વિધાનસભામાં જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું હતું કે જો મૌલાના ફઝલુર્રહેમાન અને ખ્વાજા આસિફ સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે તો તે ખૂબ ખોટું હશે. તેમણે કહ્યું છે કે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી એહસાનુલ્લાહ ચકમો આપીને છટકી જાય છે. તેની વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી રહી નથી પણ રાજકીય વ્યક્તિઓ વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે ઇમરાન ખાને તે જણાવવું જોઈએ કે કયા કારણોસર મોલાના ફઝલુર્રહેમાન પર દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. બીજી તરફ ખ્વાજા આસીફે કહ્યું કે તેમને ઇમરાન ખાન પાસેથી દેશભક્તિનું પ્રમાણપત્ર લેવાની જરૂર નથી. ખ્વાજા આસીફ પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝ (પીએમએલ-એન) ના નેતા છે.

પીએમએલ-એન ના સર્વોચ્ચ નેતા નવાઝ શરીફની હાલ લંડનમાં સારવાર ચાલી રહી છે. ખ્વાજાએ ઇમરાન સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમનું કહેવું છે કે કરાચીનો ભૂતપૂર્વ પોલીસ કેપ્ટન, તેહરીક-એ-તાલિબાન, પાકિસ્તાનના આતંકી એહસાનુલ્લાહ સાથે મુક્તપણે ફરી રહ્યો છે અને કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ જોખમી સાબિત થશે.

સંસદની અંદર મૌલાના ફઝલુર્રહેમાનના પુત્ર મૌલાના અસદ મહમૂદ હાજર હતા. તેમણે ઈમરાનને ચેતવણી આપી. અસદે કહ્યું હતું કે બંધારણની કલમ 6 નો ઉપયોગ તેમના પિતા સામે થઈ શકશે નહીં. સંસદીય બાબતોના પ્રધાન અલી મોહમ્મદ ખાને કહ્યું કે સરકારનો ઉદ્દેશ કોઈને નિશાન બનાવવાનો નથી. પરંતુ મૌલાનાએ એ બતાવવું જોઈએ કે કોના કહેવાથી તેમણે ઈમરાન ખાનને સત્તામાંથી ઉખેડીને ફેંકી દેવાની વાત કરી હતી.