વલસાડમાં 1100 કરોડના ખર્ચે સોલાર સેલ પ્લાન્ટ, આટલા બધા યુવાનોને મળશે રોજગારી

સોલાર પી.વી. મોડયુલ્સ અને સોલાર એનર્જી સોલ્યુશન્સની પ્રતિષ્ઠિત કંપની વારે પાવર દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના માંડા ગામમાં સોલાર સેલ અને સોલાર મોડયુલનો અદ્યતન પ્લાન્ટ સ્થાપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આ અંગેના MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.

ગુજરાત સરકાર વતી ઊદ્યોગ અગ્ર સચિવ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ. કે. દાસ અને વારે ગૃપના ચેરમેન હિતેશ દોશીએ આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા. 1100 કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે શરૂ થનારા આ પ્લાન્ટને પરિણામે બે હજાર જેટલા સ્થાનિક યુવાઓને રોજગાર અવસર મળતા થવાના છે.

મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં સોલાર એનર્જીને પ્રોત્સાહન આપવાની જે પહેલ કરી છે તેની ફલશ્રુતિરૂપે રાજ્યમાં બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્ર – સોલાર એનર્જી સેકટરમાં મોટા પાયે રોકાણો આવી રહ્યા છે.

તેમણે રાજ્યમાં 8 લાખ ઘરોને સોલાર રૂફટોપ પોલીસી તહેત આવરી લઇ સૌરઊર્જા વિનિયોગ તેમજ 33 લાખ જેટલા MSME યુનિટસને 100 ટકા સૌરઊર્જા ઉપયોગ માટે પ્રોત્સાહન આપવાના અપનાવેલા અભિગમને પરિણામે ગુજરાતમાં સોલાર મોડયુલ્સ અને સોલાર સેલની વિશાળ માંગ ઊભી થઇ છે અને રોકાણકારો માટે પણ આ ક્ષેત્રે નવિન તકો ખૂલી છે.

આ સંદર્ભમાં સોલાર પી.વી. મોડયુલ્સ અને સોલાર એનર્જી સોલ્યુશન ક્ષેત્રે વિશ્વના 60 જેટલા દેશોમાં વેપાર-કારોબાર ધરાવતી કંપની વારે ગૃપે ગુજરાતમાં રોકાણ માટે આ MoU કર્યા છે. આ ગૃપ ભારતમાં પ્રેશર ગેજ ક્ષેત્રે પપ ટકા ઉત્પાદન કરે છે.

તદ્દઉપરાંત આ ગૃપ દ્વારા ભારતમાં સૌથી મોટો બે ગીગાવોટની ક્ષમતાનો સોલાર પી.વી. મોડયુલ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ સુરત અને ઉમરગામમાં કાર્યરત છે.