રાજકોટ: પુત્રીએ લગ્નમાં માંગી અનોખી ગિફટ તો પિતાએ બળદ ગાડું ભરીને બે હજારથી વધુ પુસ્તકોની સોગાદ આપી

દરેક યુવતી ઈચ્છે છે કે તેના લગ્નમાં તેના પિતા પાસેથી એક અનોખી ગિફટ મળે. સામાન્ય રીતે લાડકીને તેના પિતા દ્વારા ઘરેણાં, કપડાં, રત્ન, વાહનો અને રોકડ નાણાં પણ આપવામાં આવે છે. પરંતુ  રાજકોટમાં એક પિતાએ બળદ ગાડું ભરી બે હજારથી વધુ પુસ્તકો ભેટ તરીકે આપ્યા છે. બાઇબલ, શ્રીમદ ભાગવત અને કુરાન સહિત સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પુસ્તકોનો આ ગિફટમાં સમાવેશ થાય છે.

રાજકોટના નાનામૌવા ખાતે રહેતા હરદેવસિંહ જાડેજા નામના શિક્ષકની પુત્રી કિન્નરીબાના લગ્ન વડોદરામાં રહેતા એન્જિનિયર પૂર્વજિતસિંહ સાથે થયાં. પૂર્વજિતસિંહ હાલમાં કેનેડામાં રહે છે. કિન્નરીબાને નાનપણથી જ પુસ્તકો વાંચવાનો શોખ છે.

કિન્નરીબાની પાસે 500થી વધુ પુસ્તકોની લાયબ્રેરી છે. કિન્નરીબાએ તેના લગ્નમાં પોતાના વજનના જેટેલા પુસ્તકો આપવાની ઈચ્છા પિતા સમક્ષ જાહેર કરી હતી. પુત્રીની ઇચ્છા પૂર્ણ કરવા માટે હરદેવસિંહે  કિન્નરીબાના વજન કરતાં પણ દસ ગણા વધુ એટલે કે 500 કિલો કરતાં પણ વધારે વજનના પુસ્તકોની ગિફટ પુત્રીને આપી છે.

પુત્રીને આ અનોખી ભેટ આપવા માટે હરદેવસિંહે પહેલા તેના પ્રિય પુસ્તકોનું લિસ્ટ બનાવ્યું. ત્યારબાદ દિલ્હી, બેંગલુરુ અને કાશી જેવા શહેરોમાં 6 મહિના ગાળ્યા અને આ પુસ્તકો એકત્રિત કર્યા. જેમાં મહર્ષિ વેદ વ્યાસથી લઈને ઘણા પ્રખ્યાત લેખકો દ્વારા લખાયેલા વિવિધ ભાષાઓનાં પુસ્તકો સામેલ છે. બળદ ગાડામાં આ પુસ્તકો ભરીને કિન્નરીબાને વિદાય આપવામાં આવી. આ દ્રશ્યો જોઇને ત્યાં હાજર દરેક લોકોએ હરદેવ સિંહ અને તેની પુત્રીની પ્રશંસા કરી હતી.