ટ્રમ્પની ગુજરાત મુલાકાત: આ IPS અધિકારીઓને સુરક્ષાની સોંપાઈ છે જવાબદારી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની અર્થાત અમદાવાદની મુલાકાતે આવી રહ્યાની અમેરિકન તંત્ર દ્વારા પ્રથમ વખત સત્તાવાર પુષ્ટી થવાની સાથે જ ગુજરાતના પોલીસ તંત્રમાં નવેસરથી બંદોબસ્ત સ્કીમોની સાથોસાથ ફલાઈટના સમયો ફેરવવા માટેની તૈયારીઓ સાથે ગુજરાતભરમાંથી અનુભવી અધિકારીઓ અમદાવાદ પહોંચ્યા છે.

સમગ્ર બંદોબસ્તનું સુકાન ડીજીપી કક્ષાના અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયા અને એડી. ડીજીપી કક્ષાના અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્પેશિયલ પોલીસ કમિશનર અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ સંખ્યાબંધ આઈપીએસ અધિકારીઓની મદદથી અભેદ સુરક્ષાચક્ર રચવા માટે મંત્રણાઓનો દોર સતત ધમધમી રહ્યો છે.

દરમિયાન સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ અમેરિકન સુરક્ષા તંત્રના ટોચના અધિકારીઓની સાથોસાથ મૂળ ગુજરાત કેડરના અને હાલ એસપીજીમાં ફરજ બજાવતા સિનીયર આઈપીએસ અધિરાકારી ભગત ફરી વખત અમદાવાદ આવી બંદોબસ્ત સ્કીમ અંગે ચર્ચા કરવા સાથે એક લાખથી વધુ લોકો જેમા જમા થવાના છે તે મોટેરા સ્ટેડીયમની વ્યુહરચના તથા આસપાસના એક કિ.મી.ના વિસ્તારના મકાનો, ઓફિસો, શોપીંગ સેન્ટરો વગેરેમાં સુરક્ષા વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવી છે ? તે બાબતે ઝીણવટભર્યુ અવલોકન કરશે.

વડાપ્રધાનની સાથે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની મુલાકાતની ગંભીરતા ધ્યાને લઈ ધરતી-આકાશ અને નદીઓમાં પણ સાત કોઠા વિંધવા જેવી સુરક્ષા વ્યવસ્થા કરવા સાથે અમેરિકન પ્રમુખના રોડ-શોને ધ્યાને લઈ અમેરિકાથી લશ્કરમાં વપરાતી કરોડો રૂપિયાની અભેદ કાર આવી રહી છે. આ કારને કોઈ વાતાવરણની તથા વિસ્ફોટોની અસર ન થતી હોવાનું પણ તજજ્ઞો માની રહ્યા છે.

અમેરિકન પ્રમુખની મુલાકાત સંદર્ભે મુખ્યમંત્રીએ પણ હાઈલેવલની મીટીંગ યોજી હતી. આ મુલાકાતને કારણે વિધાનસભાનું સત્ર પણ મોડું કરવામાં આવ્યુ છે. બંદોબસ્તની મહત્વની બાબત એ છે કે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા તે સમયથી જ તેમની સુરક્ષા વ્યવસ્થાનું સુકાન વડાપ્રધાન બન્યા પછી પણ જેમની હસ્તક રહેતુ તેવા રાજ્યના આઈબી વડા મનોજ શશીધરની સીબીઆઈમાં વધુ આવશ્યકતા ધ્યાને લઈ તેઓને રાજ્યના પોલીસ વડાએ રીલીવ કરી દીધા છે. જો કે અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટીયા ખૂબ જ અનુભવી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બાતમીદારોનું વિશાળ નેટવર્ક ધરાવવા સાથે કયા અધિકારી પાસેથી કઈ રીતે કામ લઈ શકાય ? તેની માસ્ટરી ધરાવે છે.

ટ્રમ્પના કાફલામાં 100થી વધુ અંગરક્ષકો રહેશે. તેમની સાથે સંકલનની જવાબદારી એટીએસ-અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને રાયોટ કંટ્રોલ ઉપરાંત ગુજરાતના ગુપ્તચર વિભાગની રહેશે. આમ અમેરિકન પ્રમુખની મુલાકાતને કારણે ગુજરાતનું પોલીસ તંત્ર ધમધમતુ થયું છે.