રાહુલ ગાંધીનો વધુ એક બફાટ : કોરોના પર કરેલા ટિ્વટમાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો દર્શાવ્યો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઘણીવાર બોલવામાં કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં બફાટ કરી નાંખે છે અને તેના કારણે ક્યાં તો વિવાદ વધી પડે છે અથવા તો તેમની મજાક ઉડે છે. ફરી એકવાર રાહુલ ગાંધીએ આવો જ બફાટ કરી નાંખ્યો છે અને તેના કારણે વિવાદ વધી પડ્યો હતો. હકીકતમાં રાહુલ ગાંધીએ કોરોના વાયરસ સંબંધે બુધવારે એક ટિ્વટ કર્યું હતું. તેમણે આ ટિ્વટ તો સરકારનો કાન આમળવા માટે કર્યું હતું પણ તેના કારણે તેઓ પોતે જ એવા ટ્રોલ થયા કે તેમણે એ ટિ્વટ ડિલીટ કરી દેવું પડ્યું હતું.

રાહુલે કરેલા ટિ્વટમાં તેમણે જે નકશો મુક્યો હતો તેમાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનના હિસ્સા તરીકે દર્શાવાયું હતું. રાહુલે ટિ્વટમાં લખ્યું હતું કે કોરોના વાયરસ આપણા લોકો અને આપણા અર્થતંત્ર માટે ઘણું ગંભીર જોખમ છે. મારા હિસાબે સરકાર આ જોખમને ગંભીરતાથી નથી લઇ રહી, સમયસર આ મામલે પગલાં ભરવાની જરૂર છે. રાહુલના આ ટિ્વટ પછી ભાજપના આઇટી સેલના તીફ અમિત માલવીયે ટિ્વટ કર્યું હતું કે તમે વારંવાર આ નક્શાનો ઉપયોગ કેમ કરો છો, જેમાં જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ બતાવાયું હોય. તે પછી અન્ય ટિ્વટર યૂઝર્સે પણ રાહુલને ટાર્ગેટ કરીને તેમને ટ્રોલ કરી દીધા હતા. થોડી વાર પછી રાહુલે આ ટિ્વટ ડિલીટ કરીને તેના સ્થાને એક ન્યૂઝ સ્ટોરી સાથેનું બીજું ટિ્વટ કર્યું હતું.