રાહુલ ગાંધીએ શા માટે સ્મૃતિ ઈરાનીનો ગેસના બાટલાવાળો ફોટો શેર કર્યો, જાણો સમગ્ર મામલો

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એલપીજીના ભાવમાં થયેલા તોતીંગ વધારાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલે યુપીએ સરકારના સમયની તસવીર શેર કરી છે, જેમાં સ્મૃતિ ઈરાની સિલિન્ડર લઈને જતા રસ્તા પર વિરોધ પ્રદર્શન કરતાં જોવા મળી રહ્યા છે. ટવિટ કરી રાહુલે લખ્યું, ‘હું એલપીજી સિલિન્ડરના ભાવમાં 150 રૂપિયાના જંગી વધારાનો વિરોધ કરનારા ભાજપના આ સભ્યો સાથે સંમત છું.’ #RollBackHike દ્વારા રાહુલે વધેલો ભાવ પાછા ખેંચવાની માંગ કરી હતી.

નોંધનીય છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પુરી થતાંની સાથે જ પેટ્રોલિયમ કંપનીઓએ બુધવારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરી દેશના ગ્રાહકોને મોટો ફટકો આપ્યો છે. સબસિડી વિનાનું 14.2 કિલો સિલિન્ડર દેશના વિવિધ ભાગોમાં 149 રૂપિયા સુધી મોંઘું થઈ ગયું છે. દેશની રાજધાની દિલ્હીમાં સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ .144.50 નો વધારો થયો છે.

સ્મૃતિ ઈરાનીનો આ ફોટો પહેલી જુલાઈ 2010નો છે. તે સમયે તે ભાજપના મહિલા મોરચા અધ્યક્ષ હતા. તેમણે તત્કાલીન પશ્ચિમ બંગાળ ભાજપના વડા રાહુલ સિંહા સાથે કોલકાતામાં ધરણા કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ વધતા જતા ઇંધણના ભાવ સામે પક્ષના કાર્યકરો સાથે રસ્તા રોકો આંદોલન કર્યું હતું. તે સમયે  કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ-2 સરકાર સત્તામાં હતી.