ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને પત્નીને આપ્યા છૂટાછેડા, વળતર પેટે આપશે 285 કરોડ

પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્ક અને તેની પત્ની કાઇલીએ લગ્નના સાત વર્ષ પછી છૂટાછેડાની જાહેરાત કરી દીધી છે. આ બંનેના લગ્ન મે-2012માં થયા હતા. આ કપલને કેલ્સી લી નામની ચાર વર્ષની પુત્રી પણ છે.

બુધવારે દંપતીએ ‘ધ ઓસ્ટ્રેલિયન’માં નિવેદન બહાર પાડતાં કહ્યું કે,’ થોડા સમય માટે અલગ થયા પછી અમે એકબીજાની સહમતી અલગ થવાનો નિર્ણય લીધો છે. ‘ તેમણે વધુમાં કહ્યું, ‘અમારે એક બીજા માટે ઘણો આદર છે. અમે બંને સંમતિથી જુદા પડી ગયા છે. આ અમારા બંને માટે સારું છે અને સાથે મળીને અમારી પુત્રીની સંભાળ પણ રાખીશું.

રિપોર્ટ છે કે આ છૂટાછેડાની કિંમત 40 કરોડ ડોલર એટલે કે લગભગ 285 કરોડ રૂપિયા છે. તેમાં એક ઘર પણ શામેલ છે. ફોક્સ સ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર પાંચ મહિના પહેલા આ કપલ છૂટું પડ્યું હતું. જ્યારે ક્લાર્ક ઘર છોડીને બીજા ઘરે રહેવા ચાલ્યો ગયો હતો. એવા સમાચાર પણ છે કે 38 વર્ષીય કાઇલી તેની પુત્રી સાથે જૂના મકાનમાં રહેશે.

ક્લાર્ક 2015ની ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિજેતા ટીમનો કેપ્ટન હતો. 2015માં 115 ટેસ્ટ મેચ રમ્યા બાદ તે નિવૃત્ત થયો હતો. તેણે આ સમયગાળા દરમિયાન 28 સદીની મદદથી 8643 રન બનાવ્યા. તેણે 245 વનડે અને 34 ટી-20 મેચ રમી હતી.

નવેમ્બર 2018માં કપલના જીવનમાં તોફાન આવ્યું હતું. ઓસ્ટ્રેલિયન મીડિયામાં ક્લાર્ક અને તેની આસિસ્ટન્ટ વચ્ચેના અફેરના સમાચાર આવ્યા હતા. માઇકલ ક્લાર્કની ક્રિકેટ એકેડમી સંભાળતી સાશા અને કલાર્ક વચ્ચે અફેર હોવાની વાત ખાસ્સી ચગી હતી અને તે પહેલાં બંને લાંબા સમય સુધી સાથે જોવા મળ્યા હતા. જોકે, બંનેએ પ્રેમ સંબંધોના અહેવાલોને ફગાવી દીધા હતા.