દિલ્હીમાં કોંગ્રેસના શૂન્ય પ્રદર્શન પર વિવાદ યથાવત, હવે ભૂપેન્દ્ર હુડ્ડા અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ સવાલ ઉઠાવ્યા

કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં સતત બે ચૂંટણીથી ઝીરો પ્રદર્શન કરી રહી છે. કોગ્રેસના વરિષ્ઠ નેતા પણ પક્ષની વ્યુહરચના સામે સવાલ ઉઠાવી રહ્યા છે. તો સાથે જ તેઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ પણ કરી રહ્યા છે. હવે કોંગ્રેસના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પક્ષની વ્યુહરચના બદલવાની સલાહ આપી છે તો હરિયાણાના માજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસના પ્રભારી રહેલા પીસી ચાકો પર નિશાન સાધ્યું છે.

દિલ્હીમાં સતત બીજીવાર કોંગ્રેસ ખાતુ ખોલાવી શકી નથી, તેના કારણે કોંગ્રેસમાં આંતરિક કલહ વધી ગયો છે. પક્ષના દિલ્હી યુનિટ પછી હવે કેન્દ્રીય નેતૃત્વ પણ નિશાન પર આવી ગયા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે કોંગ્રેસે નવી વિચારધારા અને નવી વ્યુહરચના પર કામ કરવાની જરૂર છે. હરિયાણાના માજી મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ પણ પીસી ચાકોને નિશાન બનાવ્યા છે.