આબરૂ ઢાંકવાનાં પ્રયાસો: ટ્રમ્પને ઝૂંપડા ન દેખાય તે માટે અમદાવાદ કોર્પોરેશને કડીયાઓને કામે લગાડ્યા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મિલેનીયા ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે છે. ગુજરાતના અમદાવાદ દ્વારા મહેમાનોને આવકારવા માટે શણગારવામાં આવી રહ્યું છે. શહેરને સુંદર બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ પણ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં ઝૂંપડપટ્ટીઓને ઢાંકવા માટે દિવાલ પણ બનાવવામાં આવી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશી મહેમાનોને રસ્તાની બાજુની ઝૂંપડપટ્ટીઓ જોઈ ન શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઝૂંપડપટ્ટીની સામે દિવાલ ઉભી કરી રહી છે. ફોટોમાં જોઇ શકાય છે કે ઝૂંપડપટ્ટીને ઈંટની દિવાલ ચણીને ઢાંકી દેવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને ઈન્દીરા બ્રિજથી જોડતા રસ્તાની બાજુમાં ઘણી ઝૂંપડપટ્ટી છે. આ દિવાલ ઝૂંપડાઓ છુપાવવા માટે બનાવવામાં આવી રહી છે. અમદાવાદના મેયર બિજલ પટેલે દિવાલ અંગે મીડિયાને કહ્યું કે, ‘મેં આ દીવાલ જોઇ નથી, મને તેના વિશે કંઈ ખબર નથી.’

સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર રૂટ પર પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ રૂટ પરથી ડોનાલ્ડ ટ્રમ્પ પસાર થવાના છે. માનવામાં આવી રહ્યું છે કે આખા રસ્તા ઉપર ડેકોરેટીવ લાઇટ લગાવવા માટેનો ખર્ચ આશરે એક કરોડનો થશે, પરંતુ આ અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી.

અમેરિકાના ‘હાઉડી મોદી’ ની જેમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે મેગા ઇવેન્ટની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાર-પાર્કિંગમાં 3000 કાર અને 10,000 ટુ-વ્હીલર્સની પાર્કિંગ ક્ષમતા છે. અહીં પાવર જનરેટર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.