લખનૌ કોર્ટમાં બદલો લેવા ખેલાયો ખતરનાક ખેલ, વકીલે જ વકીલ પર ફેંક્યા બોમ્બ

ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં ગુરુવારે મોટી ઘટના બની છે. વઝીરગંજ કોર્ટમાં કેટલાક વકીલો પર હુમલો થયો હતો. આ હુમલો બોમ્બ વિસ્ફોટ કરીને કરવામાં આવ્યો હતો. ધડાકામાં અનેક વકીલોને ઈજા પહોંચી હતી. બે વકીલો વચ્ચે ચાલી રહેલી અંગત દુશ્મનાવટના કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો.

કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટને કારણે નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણ જીવંત બોમ્બ કબજે કર્યા હતા અને તેઓને ડિફ્યૂઝ કરવામાં આવ્યા હતા. સ્થળ પરના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કોર્ટમાં ચૂંટણીને કારણે આ વિવાદ સર્જાયો છે.

હુમલો કરનારાઓએ એડવોકેટ સંજીવ લોધીને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં તેમના સિવાય અન્ય વકીલોને પણ ઈજા પહોંચી હતી. આ હુમલામાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. અહીંથી મળી આવેલા ત્રણ જીવંત બોમ્બને પોલીસે ઝડપી લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બોમ્બ હુમલો પરસ્પરના વિવાદને કારણે થયો છે. કોર્ટમાં પણ ચૂંટણીઓ યોજાવાની છે, જેના કારણે હુમલો હરીફાઈમાં કરવામાં આવ્યો હતો.

આ હુમલો બે વકીલો વચ્ચેના પરસ્પર વિવાદમાં થયો હતો. વકીલ જીતુ યાદવ પર બોમ્બ ફેંકવાનો આરોપ છે. સ્થળ પર જીવંત બોમ્બ મળી આવ્યા છે. એક વ્યક્તિને વધારે ઈજા થઈ છે. બાકીના બે લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ કેસની તપાસ કરી રહી છે. વકીલોના બે જૂથોમાં વિવાદ થયો હતો, જેની ફરિયાદ બાર કાઉન્સિલમાં અન્ય જૂથના વકીલ દ્વારા બુધવારે કરવામાં આવી હતી, જેના કારણે વિવાદ વધ્યો હતો.

જેમના પર બોમ્બ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે વકીલ સંજીવ લોધી બાર કાઉન્સિલના અધિકારી છે. લખનૌ બાર એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એવો આરોપ છે કે જોઈન્ટ સેક્રેટરી પર કોર્ટ પરિસરની અંદર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી બાર કાઉન્સિલનો સભ્ય પણ છે.

સંજીવ લોધીને છેલ્લા કેટલાક દિવસોથી ધમકીઓ મળી રહી હોવાનું જણવા મળી રહ્યું છે. તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ હુમલા પછી વકીલોએ દેખાવો કરી સુરક્ષા વધારવાની માંગ કરી હતી. આ સમય દરમિયાન સંજીવ લોધીએ સુધીર યાદવ, અન્નુ યાદવ અને અન્ય લોકો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો.