આસામ સરકારનો મોટો નિર્ણય: 614 મદ્રેસાઓ બંધ કરાશે

આસામમાં 614 મદ્રેસા બંધ કરવાનો અને આ મદ્રેસાઓને શાળાઓમાં તબદીલ કરવાનો નિર્ણય લેવામાં આવતા  આસામમાં નવો વિવાદ ઉભો થવાની સંભાવના છે. આસામ સરકાર આગામી એક બે મહિનામાં સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહેલા 614 મદરેસા અને 101 સંસ્કૃત સંસ્થાને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

આસામના નાણાંપ્રધાન હેમંત બિસ્વાએ કહ્યુ છે કે રાજ્ય સરકારે લોકોના પૈસાનો ઉપયોગ ધાર્મિક શિક્ષણ પર ખર્ચ ન કરવાનો નિર્ણય કર્યો છે. બિસ્વાએ કહ્યુ છે કે અરબી અને ધાર્મિક પાઠ ભણાવવા માટેનુ કામ સરકારનુ નથી. એક ધર્મનિરપેક્ષ દેશમાં ધાર્મિક શિક્ષણને લઇને સરકાર દ્વારા નાણાં આપી શકાય નહી. જો સરકાર દ્વારા સંચાલિત મદરેસામાં ધાર્મિક બાબતોને ભણાવવાની મંજુરી આપવામાં આવે છે તો પછી ગીતા અથવા તો બાઇબલને પણ સરકારી ફંડથી ભણાવવામાં આવે તે જરૂરી છે.

આસામ સરકારે કહ્યુ છે કે નિવૃતિ સુધી સરકાર શિક્ષકોને પગારની ચુકવણી કરવા માટે તૈયાર છે. સરકાર દર વર્ષે મદ્રેસા પર ત્રણથી ચાર કરોડ રૂપિયા ખર્ચ કરે છે. બિસ્વાએ કહ્યુ છે કે આ મદરેસામાં કાર્યરત શિક્ષકો રોજગારીની ચિંતા કર્યા વગર ઘરે પણ રહી શકે છે. સરકાર તેમની નિવૃતિ સુધી પગાર ચુકવવા માટે તૈયાર છે. આવી જ રીતે સંસ્કૃત સંસ્થાના ફંડિગને રોકવા માટે કેટલાક નિર્ણય કરવામાં આવ્યા છે. ધાર્મિક આધાર પર મદરેસાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેમ કોઇ લોકો ન કહે તે માટે પણ કેટલાક નિર્ણય કરવામાં આવ્યા છે.

પ્રાઈવેટ સંસ્થાઓ દ્વારા સંચાલિત મદ્રેસા તેમની કામગીરી યથાવત રીતે આગળ વધારી શકે છે. સરકારને તેમાં કોઇ વાંધો નથી. આસામમાં પ્રાઇવેટ મદ્રેસાની સંખ્યા 900ની આસપાસ છે. જેમાં જમીયત ઉલેમા દ્વારા સંચાલિત મદ્રેસા પણ સામેલ છે.