સુરતની ગેંગવોર: સૂર્યા મરાઠી પહેરતો હતો 50 તોલા સોનું, પાંચ દિવસ પહેલાં જ જેલમાંથી બહાર આવ્યો હતો

સુરતના કતારગામ વિસ્તારમાં અખંડ આનંદ કોલેજ પાસે ઓમ સાંઉ એપાર્ટમેન્ટ પાસે ઓફીસ ધરાવતા અને માથાભારે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા સૂર્યા મરાઠીને તેના જ એક સમયના સાથી હાર્દિકે તલવાર અને ચપ્પૂના ઘા મારી પતાવી દીધો છે તો હાર્દિકને પણ સૂર્યાના માણસોએ વળતો જવાબ આપી મારી નાંખ્યો છે.

સૂર્યા મરાઠી પાછલા કેટલા વર્ષોથી જમીનની પતવટો કરતો હતો અને પોતાની ટોળકીને ઓપરેટ કરતો હતો. પોલીસ ચોપડે અનેક ગુના નોંધાયેલા છે. જોકે, સૂર્યા માટે એવું કહેવાય છે કે ધાર્મિક હતો અને કર્મકાંડી પણ હતો. સૂર્યાને સોનાની જ્વેલરી પહેરવાનો ભારે શોખ હતો. તે પોતાના શરીરે 50 તોલા સોનું પહેરતો હતો. ફેસબૂક પર તેના ગોલ્ડ જ્વેલરી સાથેના ફોટો જોવા મળે છે. ગળામાં હાર, બ્રેસલેટ, અંગૂઠી વગેરે પહેરીને રાખતો હતો. તે એક હાઈપ્રોફાઈલ લાઈફ સ્ટાઈલમાં જીવતો હતો.

તા. 17મી એપ્રિલ, 2017ના રોજ કતારગામ ખાતે મનુ ડાહ્યા જ્યારે દાઢી કરાવવા ગયા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરાઇ હતી. નોંધાયેલી ફરિયાદમાં સૂર્યા મરાઠી સહિતના સાત આરોપીઓના નામ હતા. સૂર્યા મરાઠી, પરેશ લીંબાચિયા, જયેશ પોલ, વિકાસ મગારે, જયેશ સોસા, અક્ષય દેવરે અને અમોલ ઝીનેની ધરપકડ કરી હતી. સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યા બાદ 5 ફેબ્રુઆરી 2020ના રોજ સેશન્સ કોર્ટે શંકાનો લાભ આપીને મુક્ત કરતો હુકમ કર્યો હતો. જેથી પાંચ દિવસ પહેલાં જ લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો.